ત્રાસવાદ પર ‘વર્લ્ડ ફોરમ’: ફ્રાન્સનો ટેકોJune 11, 2019

નવી દિલ્હી: ત્રાસવાદના ભય સામે લડવા વિશ્ર્વના તમામ દેશોએ એકત્રિત થઇને ચર્ચાવિચારણા કરવી જોઇએ તેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનને ગઇ કાલે ફ્રાન્સે આવકારતા કહ્યું હતું કે આતંકવાદ સામે લડવું એ અમારી પ્રાથમિકતા છે. ફ્રાન્સના યુરોપ
અને વિદેશી સંબંધોના રાજ્ય કક્ષાના પ્રધાન જિન બાપ્ટિસ્ટ લેમોને જણાવ્યું હતું કે ત્રાસવાદ સામે લેવાતાં દરેકે દરેક પગલાંને અમે આવકારીશું કારણ કે આ મુદ્દો હવે વિશ્ર્વવ્યાપી બની ગયો છે. આ માટે અમારાથી બનતા તમામ પ્રયાસો અમે કરીશું. ક્લાઇમેટ ચેન્જની જેમ જ આ ત્રાસવાદની સમસ્યા પણ હવે પૂરા વિશ્ર્વની સમસ્યા બની ગઇ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્રાસવાદના મુદ્દા અંગે ફ્રાન્સ હમેશાં ભારતની પડખે રહ્યું છે. નરેન્દ્ર મોદીએ બીજી વાર સત્તા સંભાળી લીધા પછી લેમોન પહેલાં એવા ફ્રાન્સના પ્રધાન છે જેમણે ભારતની મુલાકાત લીધી હોય. પહેલું રાફેલ ફાઇટર પ્લેન સપ્ટેમ્બરમાં ભારત આવી પહોંચશે જે ભારત-ફ્રાન્સ વચ્ચેના મજબૂત સંબંધો દર્શાવે છે એમ લેમોને દૃઢતાપૂર્વક જણાવ્યું હતું. પ્રથમ વિમાન આવી પહોંચ્યા બાદ એક પછી એક બીજા 36 વિમાનો પહોંચાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીએ ફરીવાર સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ પહેલી વાર વિદેશયાત્રા નિમિત્તે માલદીવ ગયેલા મોદીએ રવિવારે માલદીવની પાર્લામેન્ટને સંબોધતા કહ્યું હતું કે ત્રાસવાદનો ભય હવે કોઇ પણ એક દેશ પૂરતો સિમીત ન રહેતાં હવે વિશ્ર્વવ્યાપી બની ચૂક્યો છે. ક્લાઇમેટ ચેન્જના મુદ્દે તો દુનિયાના તમામ દેશો ચર્ચા વિચારણા કરે છે તો ત્રાસવાદના મુદ્દે ચર્ચા કેમ નહીં તેવો પ્રશ્ર્ન પણ તેમણે આ સંબોધનમાં રજૂ કર્યો હતો.