રૂપિયા 69000 કરોડના 35 લાખ વાહનોનો કોઇ જ લેવાલ નથીJune 11, 2019

  • રૂપિયા 69000 કરોડના 35 લાખ  વાહનોનો કોઇ જ લેવાલ નથી

 દેશની ટોચની 10 કંપનીઓએ ‘જથ્થાબંધ’ વાહનો ન વેચાય
ત્યાં સુધી ઉત્પાદન બંધ રાખવા કર્યો નિર્ણય
 5 લાખ પેસેન્જર વ્હીકલ અને
30 લાખ ટુ-વ્હીલર જુદા-જુદા ડીલર્સ પાસે પડતર પડ્યા છે
નવીદિલ્હી તા,11
દેશની 10 ટોચ કાર અને ટૂ-વ્હીલર નિર્માતા કંપનીઓ પૈકી 7 દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે તેઓ કેટલાક દિવસો સુધી પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સને બંધ રાખશે. કંપનીઓએ આવો નિર્ણય એટલા માટે કર્યો છે કારણ કે કાર અને ટૂ-વ્હીલર્સના ઓછા વેચાણને લઈને તેમની ઈન્વેન્ટરી અત્યાર સુધી વેચાઈ નથી. કંપનીઓ પહેલાં તે વાહનોને વેચવા ઈચ્છે છે, ત્યારબાદ નવા વાહનોના મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. આ પગલાંથી ભલે કંપનીઓને પોતાની ઈન્વેન્ટરી ખાલી કરવામાં મદદ મળશે પરંતુ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પોતાના ગ્રોથ ટાર્ગેટને પૂર્ણ નહીં કરી શકે.
પ્રાપ્ત વિગતો અનુસાર જૂનની શરૂઆતમાં આશરે 35000 કરોડ રૂપિયાની કિંમતના 5 લાખ પેસેન્જર વ્હીકલ્સ અને 17.5 હજાર કરોડના 30 લાખ ટૂ-વ્હીલર ડીલરશિપ્સમાં ઉભા છે, પરંતુ તેમને ગ્રાહકો નથી મળી રહ્યાં. પ્લાન્ટ બંધ કરનારી કંપનીઓમાં મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા શામેલ છે. આ કંપનીઓએ મે થી જૂન વચ્ચે પોતાના પ્લાન્ટ બંધ રાખ્યાં છે.
મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ બંધ થવાથી મે-જૂન વચ્ચે ઈન્ડસ્ટ્રીનું આઉટપુટ 20-25 ટકા ઘટવાની આશંકા છે. પરંતુ ખોટ ડીલર્સને થઈ રહી છે, જેમની ઈન્વેન્ટરીમાં સામાન્યથી 50 ટકા વધારે વાહન રાખ્યાં છે. તેમને આ વાહનો પર જીએસટી ચૂકવવો પડી રહ્યો છે. મારુતિ, મહિન્દ્રા અને ટાટા મોટર્સે મે માસમાં ઘણાં દિવસો માટે પ્રોડક્શન રોકી દીધું હતું.

આ કંપનીઓ આ મહિને 4 થી 10 દિવસ માટે બીજીવાર પ્રોડક્શન બંધ કરવા જઈ રહી છે. આ વખતે હોન્ડા કાર ઇન્ડિયા, રિનોલ્ટ-નિશાન એલાયન્સ અને સ્કોડા ઓટોનો સમાવેશ થાય છે.