હવે કોલેજોમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ?June 17, 2019

 નેશનલ એજયુકેશન પોલિસી (2019)નો ડ્રાફટ રજૂ: ધો.10 અને 12ની - પ્રક્રિયામાં પણ ફેરફાર થશે
નવી દિલ્હી તા.17
નજીકના ભવિષ્યમાં આખા દેશમાં કોઈપણ કોલેજમાં એડમિશન મેળવવવા માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડે તેવી શક્યતા છે. નેશનલ એજ્યુકેશન પોલિસી (2019)નો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં સૂચન છે કે વિવિધ વિષયો માટે દર વર્ષે અનેક વાર કોમન મોડ્યુલર એન્ટ્રન્સ પરીક્ષાનું આયોજન કરવામાં આવે. આ પછી વિદ્યાર્થીઓએ જુદી જુદી યુનિવર્સિટીઓની એન્ટ્રન્સ એક્ઝામ આપવાની જરૂર નહિ પડે.
હવે તો યુનિવર્સિટીમાં બોર્ડ પરીક્ષામાં 95 ટકાએ કટ ઑફ સાવ સામાન્ય થઈ ગયા છે. દિલ્હી યુનિવર્સિટીમાં તો 2018માં ચાર ટોચની કોલેજોના કટ ઑફ 96 ટકા હતા. હવે આ નવી પોલિસીથી અન્ડર ગ્રેજ્યુએટ્સને એડમિશન મેળવવા માટે વધુ એક પરીક્ષા આપવી પડશે. એનઇપીમાં એન્ટ્રન્સ ટેસ્ટ વર્ષમાં અનેક વાર લેવાનો પ્રસ્તાવ છે જેથી વિદ્યાર્થી વર્ષ દરમિયાન તેમની અનુકૂળતા પ્રમાણે પરીક્ષા આપી શકે. પરીક્ષામાં વિદ્યાર્થીઓના લોજિક અને રીઝનિંગની કસોટી કરવામાં આવશે. આ સાથે સાથે તે જે વિષયમાં આગળ ભણવા માંગે છે તેનું પણ જ્ઞાન ચકાસવામાં આવશે. એનઇપી કમિટીએ 10 અને 12 ધોરણની એસેસમેન્ટની પ્રક્રિયામાં પણ ફેરફાર માટે સૂચનો આપ્યા છે.ડ્રાફ્ટ પ્રમાણે એન્ટ્રન્સ ટેસ્ટ નેશનલ ટેસ્ટિંગ એજન્સી લેશે. નવી સિસ્ટમમાં વિદ્યાર્થીઓ જે વિષયોમાં રસ ધરાવે છે તેની પસંદગી કરી શકશે. દરેક યુનિવર્સિટી વિદ્યાર્થીઓનો સ્વતંત્ર પોર્ટફોલિયો ચેક કરી શકશે. એનઇપી 2019ના ડ્રાફ્ટ મુજબ બોર્ડ પરીક્ષાની નકારાત્મક અસરો પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. સૂચન મુજબ અત્યારે જે રીતે બોર્ડ પરીક્ષા લેવાઈ રહી છે તે વિદ્યાર્થીઓને વધુમાં વધુ ભણતર મેળવવામાં બાધારૂપ બને છે. તેમણે જણાવ્યું કે,‘પરીક્ષા એ શીખવાનો અનુભવ છે જેનાથી વિદ્યાર્થી ભવિષ્યમાં પરફોર્મન્સ સુધારી શકે. અત્યારે બોર્ડ પરીક્ષા લેવાય છે તેનાથી આ હેતુસર નથી થતો.’
કમિટીના સૂચન અનુસાર બોર્ડ પરીક્ષા વિવિધ વિષયોમાં ઑફર થવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ તેમના રસ પ્રમાણે જે જે વિષયોમાં બોર્ડ પરીક્ષા આપવા માંગતા હોય તે પસંદ કરી શકે. તેમણે એમ પણ જણાવ્યું કે 
(અનુસંધાન પાના નં.8)
પરીક્ષા થોડી સરળ બનાવવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ ફક્ત કોચિંગ કે ગોખણપટ્ટીના બદલે તેમની અંદર છૂપાયેલી આવડત નિખારી શકે. યુનિવર્સિટી પરીક્ષાનો હેતુ પણ આ જ હોવો જોઈએ.
આ પગલા અંગે વાત કરતા દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર દીપક પેન્ટલે જણાવ્યું કે વિદ્યાર્થીઓને વધુ એક પરીક્ષા અપાવડાવવાને બદલે સીબીએસઈ અને બીજા બોર્ડે પરીક્ષાની પદ્ધતિમાં સુધારા આણવા જોઈએ. તેમણે કહ્યું, ‘સીબીએસઈ અને બીજા બોર્ડે ખૂબ વધારે માર્ક્સ આપવાનું બંધ કરવું જોઈએ. પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી અને સ્કોર ઊંચો બતાવવા તેઓ માર્ક સાથે રમત કરે છે. આપણને અત્યારે રાષ્ટ્રીય સ્તરની મોનિટરિંગ કમિટીની જરૂર છે જે બોર્ડ પરીક્ષા પર દેખરેખ રાખે અને વિદ્યાર્થીઓને થોડી વધારે અઘરી પરીક્ષા આપવાની જરૂર છે.’તેમણે એમ પણ કહ્યું કે એન્ટ્રન્સ પરીક્ષાની સંખ્યા વધારવાથી વિદ્યાર્થીઓ ટ્યુશન પૂરતા સીમિત રહી જશે.