વાયુ વાવાઝોડાથી સિંહોને બચાવવા વન વિભાગે કઈ આવી ત્યારી કરી..જુઓ સમગ્ર અહેવાલJune 12, 2019

ગાંધીનગરઃ વાયુ વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુરુવારે બપોર સુધીમાં વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવીને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન સિંહોને પણ વાવાઝોડાથી બચાવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

વાયુ વાવાઝોડાથી સિંહોને બચાવવા સાસણમાં વન વિભાગે 6 ટીમો બનાવી છે. આ ટીમોમાં ટ્રેકટર, જીસીબી, કટર મશીન સહિત એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગીરસોમનાથમાં પણ વનવિભાગ દ્વારા સિંહોની સલામતીના પગલાં લેવાયા છે. વેરાવળ રેન્જના દરીયાકિનારા નજીક રહેતાં 13 જેટલાં સિંહોને સલામત અને ઊંચાણવાળી જગ્યા પર ખસેડવામાં આવ્યા છે.

સાસણ વિસ્તારમાં તમામ સિંહના લોકેશન ટ્રેક કરવામાં આવ્યા છે. સિંહોના સારવાર માટેની હોસ્પિટલમાં સ્ટાફને 24 કલાક હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. ઉપરાંત સાસણ વિસ્તારના તમામ સ્ટાફને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વન સંરક્ષકને પણ સ્ટેન્ડ ટુ રહેવા સૂચના અપાઈ છે.