પરમ પૂ.મહંત સ્વામી મહારાજનું ભવ્ય સ્વાગત-સામૈયુંJune 12, 2019

ક્ષ નિર્માણાધીન નૂતન મંદિરનો શિલાન્યાસ કરાયો: બીએપીએસના મહંતો, કર્ણાટકના ગવર્નર, સંસદ સભ્યો, ધારાસભ્યો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
રાજકોટ તા. 12
બીએપીએસ સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે મચ્છુના તટે આવેલ મોરબીની ધરાને સૌ પ્રથમવાર પધારીને પાવન કરી છે. તેઓ તારીખ 17 જૂન સોમવાર સુધીમોરબીમાં રોકાણ કરશે જે દરમ્યાન વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરક પ્રદર્શનો અને સત્સંગ સભા તેમજ પારાયણો યોજવામાં આવશે. મોરબીમાં નિર્માણાધીન નુતન મંદિરનો શિલાન્યાસ વિધિ આજેપરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ, વડીલ સદગુરુ સંતો તેમજ કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા,સાંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા,ધારાસભ્યો બ્રિજેશભાઈ મેરજા, કાંતિભાઈ અમૃતિયા, પરસોત્તમભાઈ સાબરીયા તેમજ અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં સવારે 8 થી 12 દરમ્યાન યોજાયો હતો.
મોરબીના મુગટમણી બની રહેનારા આ મંદિરમાં સનાતન ધર્મના વૈદિક સ્વરૂપો બિરાજશે, પરંપરાગત ભારતીય શિલ્પ-સ્થાપત્ય કલાથી અલંકૃત બની રહેનારા આ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ મંદિરના પ્રેરણામૂર્તિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા સંતો, મહાનુભાવો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આજે વિ. સં. 2075, જેઠ સુદ દશમના પવિત્ર દિને સંપન્ન થયો. આજે સાંજથી વરિષ્ઠ સદગુરુ સંત અને વર્ષોથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સાથે વિચરણ કરનાર પૂજ્ય વિવેકસાગર સ્વામી પારાયણમાં કથાવાર્તાનો લાભ આપશે. આ પારાયણ બુધવાર થી રવિવાર સુધી કુલ 5 દિવસ સાંજે 7:30 થી 8:30 દરમ્યાન યોજાશે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના રોકાણ દરમ્યાન મોરબીના આંગણે યોજાનાર ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા માટે પરિવાર મિત્રમંડળ સહિત પધારવા બીએપીએસ સત્સંગ મંડળ મોરબી વતી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી, પૂજ્ય હરિસ્મરણ સ્વામી, પૂજ્ય મંગલપ્રકાશ સ્વામી સહિત સૌ સંતોએ મોરબીવાસીઓને લાભ લેવા અનુરોધ કર્યો છે.