આને કહેવાય જશને બદલે જૂતાJune 05, 2019

ઈસ્લામાબાદ તા.5
પાકિસ્તાનના વડાપ્રધાન ઇદ પર સાપની ચામડીમાંથી બનેલા સેન્ડલ પહેરવાની તૈયારીમાં હતા. જો કે તેમની આ ઇચ્છી પૂરી નહીં થઇ શકે કારણ કે સેન્ડલ બનાવનારની પોલીસે ધરપકડ કરી લીધી છે. ચાલીસ હજાર રૂપિયાની કિંમતના આ સેન્ડલ પીએમ ઇમરાન ખાનને ઇદ પર ગિફ્ટ કરવાના હતા. તેને બનાવા માટે સાપની ચામડી અમેરિકાથી આવી હતી.
પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન માટે સાપની ચામડીમાંથી ખાસ સેન્ડલ બનાવનાર પાકિસ્તાનના એક પ્રસિદ્ધ જૂતા બનાવનાર વન્યજીવ કાયદાના ઉલ્લંઘનના લીધે પરેશાનીમાં મૂકાઇ ગયો છે. પાકિસ્તાનનાખૈબર પખ્તૂનખ્વામાં વન્યજીવ વિભાગના ઓફિસરોએ શહેરના જહાંગીર પુરા બજારમાં પ્રખ્યાત જૂતા નિર્માતા નુરૂદ્દીન ચાચાની દુકાન પર દરોડા પાડ્યા અને સાપની ચામડીમાંથી બનેલા બે જોડ સેન્ડલ જપ્ત કરી લીધા જે નકેપ્ટન સ્પેશ્યલ ચંપલથ નામથી પ્રખ્યાત છે. તેને ઇદના અવસર પર વડાપ્રધાન ખાનને ગિફ્ટમાં આપવા માટે બનાવ્યા હતા. અધિકારીઓએ દુકાનના એક સેલ્સમનની પણ ધરપકડ કરી લીધી છે.
જિલ્લા વન્ય અધિકારી અબ્દુલ હલીમ મરવાતે કહ્યું કે તેઓ ગ્રાહક તરીકે નુરૂદ્દીનની દુકાને ગયા હતા અને સેલ્સમેનને સેન્ડલ દેખાડવાનું કહ્યું. તેમણે 40000 રૂપિયાનું એક સેન્ડલ દેખાડ્યું. તેનો આટલો બધો ભાવ કેમ છે તે અંગે પૂછયું તો સેલ્સમેને કહ્યું કે તેને સાપની ચામડીમાંથી બનાવામાં આવ્યા છે અને ઇમરાન ખાનને ગિફ્ટમાં અપાશે. તપાસ કરતાં સેન્ડલ જપ્ત કરી લીધા અને સેલ્સમેનની પણ ધરપકડ કરી લીધી.
જૂતા બનાવનારે દાવો કર્યો છે કે અમેરિકાથી બે જોડ બનાવા માટે સાપની ચામડી તેમને મોકલી હતી.તેમાંથી એક જોડી સેન્ડલ ખાન માટે અને એક જોડી ચામડી મોકલનાર માટે બનાવાના હતા. નુરૂદ્દીને 2015મા પરંપરાગત પેશાવરી ચંપલને કેપ્ટન ચંપલના નામથી બનાવાનું શરૂ કર્યું હતું.