MPના CM કમલનાથનાં સંબંધીને ત્યાં ITના દરોડાMay 27, 2019

નવીદિલ્હી,તા.27
લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા પછી આવકવેરા વિભાગના દરોડા શરૂ થઇ ચુક્યા છે. મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના નજીકના મનાતા રાજેન્દ્ર મિગલાનીને ત્યાં ફરી આવકવેરા દરોડા પડયા હતા.આ વખતેમિગલાનીના કોનોટ પ્લેસ દિલ્હી ખાતે આવેલા સેફ ડિપોઝિટ વોલ્ટના લોકર પર દરોડા પડયા હતા. લાંબા સમયથી આવક વેરા દરોડાની કામગીરી ચાલી રહી છે. તે ક્રમમાં જ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના નિકટવર્તી રાજેન્દ્ર મિગલાનીના લોકર્સ પર ગુરુવારે રાતે આવકવેરા ખાતાની રેડ પડી હતી. તે દરોડા દરમિયાન આવકવેરા વિભાગે આભૂષણ અને રોકડ જપ્ત કર્યા હતા.
આ પહેલાં 7 એપ્રિલે કમલનાથના નજીકના વ્યક્તિઓ પર આવકવેરા વિભાગની રેડ પડી હતી. દિલ્હી, ભોપાલ, ઇન્દોર અને ગોવામાં 300 અધિકારીઓની ટીમે 50 સ્થાને દરોડા પાડયા હતા. તે સમયે પણ રાજેન્દ્ર મિગલાનીના દિલ્હીમાં ગ્રીન પાર્ક ખાતે આવેલા ઘર પર દરોડા પડયા હતા. તે સમયે પણ રોકડ અને ઝવેરાત જપ્ત થયા હતા.
ઈડીએ શુક્રવારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડરાને આપવામાં આવેલા આગોતરા જામીન રદ કરવા રજૂઆત કરતાં અરજી દાખલ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી વાડરાને 1 એપ્રિલના રોજ દિલ્હીની નીચલી અદાલતે આગોતરા જામીન મંજૂર કર્યા હતા. સરકારી વકીલ ડી.પી.સિંહે એવી રજૂઆત પણ કરી હતી કે વાડરાને પૂરા પાડવામાં આવેલા રક્ષણને કારણે તપાસ અવરોધાઈ રહી છે. વાડરા ઉપરાંત તેમના નજીકના સાથી મનોજ અરોરાને આપવામાં આવેલા જામીનને પણ પડકાર્યા હતા. વાડરા લંડન ખાતેની 12, બ્રાયનસ્ટોન સ્ક્વેર ખાતે આવેલી 19 લાખ પાઉન્ડની મિલકત ખરીદીમાં મની લોન્ડરિંગના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. અરજી પર સોમવારે સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે.