ચૂંટણી પ્રણાલી ઘણા સુધારા માગે છેMay 27, 2019

  • ચૂંટણી પ્રણાલી ઘણા સુધારા માગે છે

વિશ્ર્વમાં સૌથી મોટી ચૂંટણી એના સફળ અંતને પામી છે, તેને માટે ત્રણ ચૂંટણી કમિશનરો અને એમનો 1.2 કરોડનો સ્ટાફ આપણી સલામો અને પ્રશસ્તિનો અધિકારી છે. દુર્ભાગ્યે, આપણે એવું યાદ રાખવાનું થયું છે કે, રાષ્ટ્રીય ગૌરવ સમાન ચૂંટણી સંખ્યાબંધ વિરોધાભાસોથી લેપાઈ છે. આની યાદીમાં ટોચ પર છે, ચૂંટણી પંચ પરના હુમલા... ચૂંટણી પંચ પર એવો આરોપ લાગ્યો હતો કે, તે આચારસંહિતા (મોડેલ કોડ ઑફ ક્ધડક્ટ- એમસીસી)ના વારંવારના ભંગ અંગે ભારતીય જનતા પક્ષના ટોચની નેતાગીરી પ્રત્યે કૂંણું વલણ દર્શાવે છે. આ બાબતે ચર્ચાઓ ચાલી રહી છે. ખેર, ચૂંટણી પૂર્ણ થઈ ગયા પછી લગભગ અખબારો દિવસો સુધી એનાં ‘લેખાજોખા’ લીધા કરે છે, આપણે ચૂંટણી પ્રણાલીનું સ્ટોક-ટેકિંગ કરવું છે.
સાત ફેઝ કે સાત તબક્કા સુધી લંબાયેલી-ફેલાયલી ચૂંટણી વિશે પણ સવાલો ઊઠ્યા છે. આ અંગે ચૂંટણી પંચે વારંવાર મતદારોની સલામતી અંગે તાતી ફિકર-ચિંતાનું જ ઉચ્ચારણ કર્યું છે. તમામ રાજકીય પક્ષોએ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળને તહેનાત કરવાની માગણી કરી છે, પણ દળની મર્યાદિત પ્રાપ્યતાને પગલે આ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સને વારાફરતી કે ફરતું તહેનાત કરવું પડ્યું, એને કારણે મલ્ટિ-ફેઝ એટલે કે બહુતબક્કાની ચૂંટણી યોજવી પડી. જો સલામતી દળના આ કર્મચારીઓની સંખ્યા પૂરતી હોત તો ચૂંટણી પંચે એક જ દિવસમાં ચૂંટણી પૂર્ણ કરી હોત! એ બધી વાત બરાબર, પણ આ રીતે છૂટક તબક્કાની ચૂંટણીમાં સોશિયલ મીડિયામાં એમસીસી-ચૂંટણીની આચારસંહિતાને ક્રિયાન્વિત-કામ કરતી રાખવી બહુ મુશ્કેલ બને છે. આ એક એવો વેપાર છે જે વિશે ચૂંટણી પંચ લગભગ બધું જ જાણે છે. ટૂંકા ગાળામાં પૂર્ણ થઈ શકતી ચૂંટણી અને લાંબો સમય ચાલનારી ચૂંટણીના ખર્ચના મામલાનો પણ વિચાર કરવો ઘટે.
વર્ષ 2019ની 17મી લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે પ્રમાણમાં મતદાર મત આપવા બહાર નીકળ્યો છે એ મુદ્દો પણ વિચારવા જેવો ખરો તો પણ અનેક મતદારક્ષેત્રમાં રાબેતા કરતાં ઓછા પ્રમાણમાં મતદાન થયાનું પણ નોંધાયું છે. પરેશાન કરનારી મોસમ કારણભૂત હોઈ શકે! વળી, દરેક તબક્કામાં મતદાતાઓની ટકાવારી પણ ખાસ્સી અલગ-અલગ જોવાઈ છે. આ વાત એટલું તો સાબિત કરે છે કે, ચૂંટણી પંચના મતદારો માટેનો એજ્યુકેશન પ્રોગ્રામ (સિસ્ટમેટિક વૉટર્સ એજ્યુકેશન ઍન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) અસરદાર તો છે જ.
આ વખતની ચૂંટણીમાં ‘મની-પાવર’ની ભૂમિકા આંખો વિસ્ફારિત કરાવી દે એવી ભારે રહી છે. પહેલા તબક્કાનું મતદાન શરૂ થવા પહેલા જ ભારતીય લોકશાહી મની, મીડિયા અને માફિયાની ભૂમિકાની અસરમાં આવી હોવાનું જોવાયું છે. ચૂંટણી પંચે કરોડો રૂપિયાની કિંમતમાં ચલણી નાણાં, શરાબ અને ડ્રગ્ઝ જપ્ત કર્યા હતા. 24મી મેના દિવસે 3475.76 કરોડ રૂપિયાની કિંમતનાં ચલણી નાણાં, ડ્રગ્ઝ-નાર્કોટિક્સ અને મફત ભેટ-સોગાદો જપ્ત કર્યાના અહેવાલો હતા. વર્ષ 2014માં આ આંકડો 1200 કરોડ રૂપિયાનો હતો. આમાં ચિંતાનું કારણ એવું છે કે, આ જપ્તીમાં ડ્રગ્ઝ અને નાર્કોટિક્સનો હિસ્સો ખાસ્સો મોટો છે, યાદીમાં ગુજરાત લગભગ 524.35 કરોડ રૂપિયાની સાથે ટોચ પર છે!
આચારસંહિતાના ઉલ્લંઘન અંગે વિલંબિત અને વેઠ ઉતાર્યા જેવા કે ઉપરચોટિયા પગલાને કારણે ચૂંટણી પંચ ઘણી વાર જનતા અને રાજકીય પક્ષોની તાતી નજર અને રોષનો ભોગ બન્યું છે. એક કાળે વિશ્ર્વની સૌથી વિશાળ લોકશાહીમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવા બદલ દેશ અને વિદેશોમાં પણ પ્રશંસાનું ભાગીદાર બનેલું ચૂંટણી પંચ આ વખતે દેશ અને વિદેશોની ટીકાનું ભાગીદાર બન્યું છે.
16મી એપ્રિલ, 2019ના ઓરિસ્સામાં વડા પ્રધાનના હૅલિકૉપ્ટરની તપાસ કરવાની બાબતને ચૂંટણી પંચે કાયદા આગળ સર્વ સમાન અને એક છે એવું પુરવાર કરવાની તક તરીકે ઉપયોગમાં ઝડપી લેવાની હતી, પણ પંચે જુદો જ માર્ગ પસંદ કર્યો હતો. ઈવીએમ અને વીવીપેટ સંબંધી મામલે વિરોધીઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા અને સર્વોચ્ચ અદાલતે પંચને ચોક્કસ સૂચના આપી હતી. અહીં ચૂંટણી પંચે સંરક્ષણાત્મક બની જવાને બદલે ખુલ્લા મનથી રાજકીય પક્ષો સાથ ઈવીએમ અને વીવીપેટ સંબંધી બાબતોની ચર્ચા કરવાની જરૂર હતી. ચૂંટણી આગળ વધતી ગઈ એમ વિપક્ષોએ વધુ બે માગ મૂકી હતી. ચૂંટણી પંચે આ માગણીઓ અવ્યવહારુ છે એમ કહીને નકારી કાઢવા માટે જ ચકાસી હોવાની છાપ આજે પણ યથાવત્ છે. જોકે, આમ છતાં ચૂંટણી સફળતાથી સમાપ્ત થઈ છે ત્યારે 17મી લોકસભા ચૂંટણી પ્રણાલીમાં મોટા પ્રમાણમાં સુધારા લાવીને વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીને વિશ્ર્વની સૌથી મહાન લોકશાહી બનાવે એવી આશા રાખીએ.