આ ક્રિકેટરે સગાભાઈની હત્યા સગી આંખે જોઇ!May 27, 2019

  • આ ક્રિકેટરે સગાભાઈની  હત્યા સગી આંખે જોઇ!

મુંબઈ તા,27
મુશ્કેલીઓ હંમેશા માણસનાં ઇરાદાઓને અજમાવે છે, પરંતુ જ્યારે માણસ પોતાના મજબૂત ઇરાદાઓથી મુશ્કેલીઓને ધ્વસ્ત કરે છે ત્યારે સફળતા તેના પગને ચૂમવા દોડી આવે છે. વિશ્વનાં ઘણા ખેલાડીઓ મુસીબતોનો સામનો કરીને આગળ આવ્યા છે. રમત-જગતમાં તમે સંઘર્ષની અનેક વાર્તાઓ સાંભળી હશે, પરંતુ વેસ્ટઇન્ડીઝનાં એક ખેલાડીનાં જીવનની વાસ્તવિક્તા જાણીને તમે સ્તબ્ધ થઈ જશો.
વેસ્ટઇન્ડીઝનો ઓશાને થોમસ આજે વિશ્વનાં શાનદાર ફાસ્ટ બોલરની લિસ્ટમાં છે. તે 2019 વર્લ્ડ કપમાં વેસ્ટઇન્ડીઝની ટીમનો ભાગ પણ છે. થોમસનાં 4 ભાઈ છે, પરંતુ તેને તેના મોટા ભાઈ સાથે ઘણો લગાવ હતો. થોમસ જ્યારે 11 વર્ષનો હતો, ત્યારે તેના 20 વર્ષનાં મોટા ભાઈની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તે 20 વર્ષની ઉંમરમાં જમૈકાની રાજધાની કિંગ્સટન જતો રહ્યો. જો કે ખરાબ ઘટનાઓએ ત્યાં પણ તેનો સાથ છોડ્યો નહીં. તે જ્યારે લોક સુપરમાર્કેટમાં જઇ રહ્યો હતો, ત્યારે એટીએમની બહાર 3 ગુંડાઓએ તેને લૂંટી લીધો હતો. બંદૂકની અણીએ ગુંડાઓ તેની પાસેથી પૈસા, ઘડિયાળ અને ચેન લૂંટી ગયા હતા. થોમસે લીગ મેચોમાં પોતાની બોલિંગથી સૌને ઘણા પ્રભાવિત કર્યા છે. તે 140-145ની ઝડપથી બોલિંગ કરે છે. તેની પહેલી જ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં તેણે એક જ ઑવરમાં રોહિત શર્મા અને શિખર ધવનને આઉટ કર્યા હતા. આ વર્લ્ડ કપમાં વેસ્ટઇન્ડીઝની ટીમને થોમસ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.