વર્લ્ડ કપ: ભારત સામેની મેચ બાદ પાકિસ્તાન ટીમને ‘ભેટ’ May 27, 2019

નવી દિલ્હી તા.27
વર્લ્ડકપ 2019માં ભારત સામેની મેચનો પાકિસ્તાનને ઇંતઝાર હશે. બંને દેશો વચ્ચે 16 જૂનનાં રોજ મેચ રમાશે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ટીમનાં ખેલાડીઓ માટે મહત્વનું નિવેદન આપ્યું છે. બોર્ડનું કહેવું છે કે ટીમનાં ખેલાડીઓની પત્ની અને ગર્લફ્રેન્ડ તેમની સાથે ભારત સામેની મેચ બાદ સાથે રહી શકે છે. આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ ના કહી દીધી હતી કે ખેલાડીઓની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ તેમની સાથે નહીં રહી શકે. જો કે બોર્ડે સ્પષ્ટ કહ્યું હતુ કે આ દરમિયાન જો ખેલાડી એવું કરવા ઇચ્છે છે તો તેમનું ખર્ચો ખેલાડીએ જ ઉઠાવવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ટીમનાં કેપ્ટન સરફરાઝ અહમદે વિશ્વ કપ દરમિયાન પરિવારનાં સભ્યોને ખેલાડીઓ સાથે રહેવા દેવાનો બોર્ડને અનુરોધ કર્યો હતો જેને ફગાવી દેવામાં આવ્યો હતો. જો કે વિશ્વ કપ પહેલા ઇંગ્લેન્ડમાં રમાયેલી 5 મેચોની વન ડે સીરીઝ દરમિયાન ખેલાડીઓનાં પરિવારને તેમની સાથે રહેવાની પરવાનગી આપવામાં આવી હતી. તો હવે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ટીમનાં ખેલાડીઓની ભાવનાને સમજતા પરિવારને સાથે રહેવાની પરવાનગી આપી દીધી છે, પરંતુ આવું 16 જૂન પછી થશે.
આ પહેલા પીસીબીએ પરિસ્થિતિને જોતા હૈરિસ સોહેલ અને આસિફ અલીને પરિવારને સાથે રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. પાકિસ્તાનનાં ખેલાડીઓને 16 જૂનનાં રોજ ભારત સામે થનારી મેચનો ઇંત્ઝાર હશે. વિશ્વ કપમાં 16 જૂનનાં પાકિસ્તાન સાતમી વખત ભારત સામે રમવા ઉતરશે.