યુવાનને હનીટ્રેપમાં ફસાવી અપહરણ : 25 લાખની ખંડણીની માંગMay 27, 2019

  • યુવાનને હનીટ્રેપમાં ફસાવી અપહરણ : 25 લાખની ખંડણીની માંગ

 સાવરકુંડલાનાં બાઢડા ગામનો બનાવ : વિસાવદરનાં લીમધ્રા ગામની સીમમાંથી એસઓજીની ટીમે યુવાનને સહી સલામત છોડાવ્યો
સાવરકુંડલા તા.27
ફોનમાં મીઠી મીઠી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી યુવાનનું અપહરણ કરી છુટવા માટે પચ્ચીસ લાખની માંગણી કરી ભોગ બનનારના ભાઇ પાસેથી 25 લાખની રકમ વસુલ કરવા જતાં એક મહિલા સહિત પાંચ શખ્સો પકડાઇ ગયાં હતા, જયારે એક મહિલા સહિતનાં પાંચ શખ્સો ભાગી છુટવામાં સફળ થયા હતા.
સાવરકુંડલા અંબિકા સોસાયટીમાં રહેતા ભીખુભાઇ ભોળાભાઇ કરમટા તથા બાબરા તાલુકાનાં ખંભાળા ગામે રહેતી પ્રવિણાબેન ઉર્ફે પરમા વા/ઓ પોપટભાઇ નથુભાઇ સુસરાએ મળીને હનીટ્રેપનો પ્લાન બનાવેલ હતો અને તે પ્લાન મુજબ પ્રવિણાબેન ઉર્ફે પરમાએ ભોગ બનનાર કલ્પેશભાઇ ભીખાભાઇ સરધારા સાથે પરિચય કેળવી ફોનમાં વાતો કરી પ્રેમ જાળમાં ફસાવેલ અને કલ્પેશભાઇને મળવા માટે બોલાવતાં કલ્પેશભાઇ પોતાની અલ્ટો ફોરવ્હીલ કારમાં પ્રવિણાબેન ઉર્ફે પરમાને લેવા માટે સાવરકુંડલા આવેલ અને પ્રવિણાબેનને પોતાની ફોરવ્હીલમાં બેસાડી બાઢડા ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ લઇ ગયેલ. અને વાડીએ કલ્પેશભાઇ આ પ્રવિણાબેન ઉર્ફે પરમા સાથે હાજર હતાં ત્યારે અગાઉથી નક્કી થયા મુજબ અન્ય આરોપીઓ જેમાં પ્રવિણાબેન ઉર્ફે પરમાની બહેન રેખાબેન ઉર્ફે અનુબેન વિરમભાઇ મેવાડા, રહે.સાવરકુંડલા તથા ઘાનાભાઇ આલસુરભાઇ ગુજરીયા તથા ઇમ્તીયાઝ ઉર્ફે પોપટ જાવેદભાઇ બ્લોચ, રહે.વિસાવદર વિ. ત્યાં આવી ગયેલ અને આ પ્રવિણાબેન ઉર્ફે પરમા સાથે તું અત્યારે અહીં શું કરે છે ? તેમ કહી કલ્પેશભાઇ તથા પ્રવિણાબેન ઉર્ફે પરમાના ફોટા પાડી લીધેલ કલ્પેશભાઇને માર મારવા લાગેલ ઇમ્તીયાઝે છરી કાઢી કલ્પેશભાઇના પગના ભાગે છરીની અણીઓ ખુતાડેલ અને કહેલ કે "તું રૂપીયા પચાસ લાખ આપ તો તને જવા દહીએ નહીતર તને અમે જુનાગઢ લઇ જઇ મારી નાખશુ તેમ કહેતાં અલ્પેશભાઇએ કહેલ કે "મારાથી આટલા રૂપીયા અત્યારે કેમ થાય? તેમ કહેતા આ લોકોએ કલ્પેશભાઇને તેની જ અલ્ટો ફોરવ્હીલ ગાડીમાં બેસાડી વિસાવદર દિનેશભાઇ દેવજીભાઇ ડાભી, રહે.લીમધ્રા, તા.વિસાવદર વાળાનીવાડીએ લઇ જઇ કલ્પેશભાઇને આંખે પાટા બાંધી દીધેલ અને કલ્પેશભાઇની ખુબ વિનંતી પછી પચાસ લાખમાંથી પચ્ચીસ લાખ લેવા તૈયાર થઇ ગયેલ અને કલ્પેશભાઇના મોબાઇલમાંથી તેના મોટા ભાઇ અશ્વિનભાઇના મોબાઇલમાં ફોન કરી કલ્પેશભાઇને છોડવાના અને તેના ફોટા વાઇરલ નહીં કરવાના બદલામાં રૂપીયા પચ્ચીસ લાખની ખંડણીની માંગણી કરેલ હતી અને આ રકમ આંગડીયામાં મારફતે મોકલી આપવા જણાવેલ હતું. ફરિયાદીએ આટલી મોટી રકમની વ્યવસ્થા કરવા થોડા વધુ સમયની માંગણી કરેલ હોય આ સમય દરમ્યાન અમરેલી એસ.ઓ.જી. ટીમે ટેકનીકલ સોર્સથી ભોગ બનનાર કલ્પેશભાઇનું પગેરૂં શોધી કાઢી વિસાવદર ગામની સીમમાં આવેલ વાડીએથી તેમને સહી-સલામત છોડાવેલ છે. અને ઉપરોક્ત પાંચેય આરોપીઓને પકડી પાડી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.માં વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે. તેમજ આ અપહરણના ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે. સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામેથી હનીટ્રેપમાં ફસાવી ખંડણી માટે થયેલ અપહરણના ગુન્હાનો ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને પકડી અપહ્યત વ્યક્તિને સહી-સલામત અમરેલી એસ.ઓ.જી. ટીમે છોડાવી હતી.
સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામેથી હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરી અપહરણ થયેલ વ્યક્તિને છોડાવવા અપહરણકારોએ પચ્ચીસ લાખની ખંડણીની માંગણી કરતાં વિસાવદર તાલુકાના લીમધ્રા ગામની સીમ માંથી સહી-સલામત છોડાવેલ અને અપહરણકારોને પકડી પાડેલ હતા.
અશ્વિનભાઇ ભીખાભાઇ સરધારા, ઉં.વ.-40, રહે. બાઢડા, તા.સાવરકુંડલા, હાલ રહે. અમદાવાદ, બાપુનગર વાળાએ જાહેર કરેલ કે પોતાના મોબાઇલમાં પોતાના નાના ભાઇ કલ્પેશ ભીખાભાઇ સરધારા, ઉં.વ.-43 રહે.બાઢડા વાળાના મોબાઇલમાંથી ફોન આવેલ અને પોતાની સાથે અપહરણકારે વાત કરેલ કે તારા ભાઇ કલ્પેશનું અમે અપહરણ કરેલ છે અને જો તેને જીવતો જોવો હોય તો રૂા.25,00,000/- આપવા પડશે અને તારા ભાઇની અશ્લીલ સીડી પણ અમે ઉતારી છે તેમ કહી આંગડીયામાં ખંડણી પેટેના રૂપીયા મોકલી આપવા જણાવેલ હોવાની ફરિયાદ આપતાં સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો નોંધાયેલ હતો. જેમાં વિસાવદરના લીમધ્રા ગામની સીમમાંથી
ભીખુભાઇ ભોળાભાઇ કરમટા રહે.સાવરકુંડલા, ઘાનાભાઇ આલસુરભાઇ ગુજરીયા, રહે.વિસાવદર, દિનેશભાઇ દેવજીભાઇ ડાભી રહે.લીમધ્રા, શબ્બીરભાઇ રમઝાનભાઇ મોરી, રહે.લીમધ્રા, પ્રવિણાબેન ઉર્ફે પરમા વા/ઓ પોપટભાઇ નથુભાઇસુસરા, રહે.ખંભાળા ને પોલીસે પકડી પાડેલ હતા જયારે ઈમ્તીયાજ ઉર્ફે પોપટ જાવેદભાઇ બ્લોચ રહે. વિસાવદર, અફઝલ ઉર્ફે અજો બોદુભાઇ મંઘરા રહે. વિસાવદર, નાશીર રાયમલભાઇ શેખ રહે. વિસાવદર, શોયબ રહીમભાઇ ફુલછેડા રહે.વિસાવદર, રેખાબેન ઉર્ફે અનુબેન ઠ/ઘ વિરમભાઇ મેવાડા રહે.સાવરકુંડલા, આરોપીઓ ભાગી છુટયા હતા.