પાંચ કલાકમાં બે કતલથી સોરઠ સમસમી ઉઠ્યુંMay 27, 2019

 સગી દીકરીએ પતિનાં સાથથી વિસાવદરમાં પિતાનું ઢીમ ઢાળી દીધું
 લાકડાનાં ઇજારામાં ભાગીદારી પ્રશ્ર્ને બીલખામાં યુવાનની કુહાડી ઝીંકી હત્યા
જૂનાગઢ : સોરઠમાં ગઇકાલનો સુરજ બે ધાતકી હત્યા સાથે ઉગ્યો હતો. ગઇકાલે વિસાવદરના ધારી રોડ ઉપર કાબરા નદીના કાંઠે રહેતા દેવીપુજક દેવજીભાઇ મણીભાઇ સોલંકીના ઘરે તેનો મુળ ધારાઇ ગામનો અને હાલમાં વિસાવદર ખાતે સસરાના પાડોશમાં રહેતો જમાઇ અશોક ચના બામરોલી, અશોકની પત્ની દેવજીભાઇની દીકરી કંચનબેન, ભાણીયો મેહુલ તથા સાહિલ અને ભાણેજ વહુ ભાવના એક સંપ કરી પહોચ્યા હતા. કંપનબેન સહીતનાઓએ પ્રથમ પથ્થરથી હુમલો કર્યો હતો. જયારે અશોક ચના બામરોલીયાએ બેટ અને તેના ભાણેજોએ લાકડાના ધોકા વડે દેવજીભાઇના પરિવાર ઉપર ઓચીંતો હુમલો કરી દેતાં સંજય દેવજી સોલંકી (ઉ.વ.30) આશીષ સંજય (ઉ.વ.10) તથા અજય દેવજી (ઉ.વ.3પ)ને લોહીયાણ ઇજાઓ થવા પામી હતી તેમને જુનાગઢ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા છે. જયારે દેવજીભાઇ લોહી નીતરતી હાલતમાં ત્યાં જ ઢળી પડયા હતા. અને તેનું ધટના સ્થળે જ મોત થવા પામ્યું હતું. બપોરના 3 વાગ્યાના અસરામાં જુનાગઢ તાલુકાના બીલખાથી 6 કીમી દુર આવેલા ઉમરાળા ગામે વિસાવદર સરસાઇ ગામના કોળી યુવક બીપીન કાળુભાઇ રાઠોડના ગળાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા થવા પામી હતી. વીસાવદરના સરસાઇ ગામના બીપીન કાળુ રાઠોડની ઉમરાળામાં ગોરની વાડી તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાં ગળાના ભાગે કુહાડીના ત્રણ જેટલા ઘા મારી હત્યા થઇ હોવાની મરણ જનાર ની પત્નીએ બીલખા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.હત્યામાં મોણીયા ગામના એક શખ્સનું શકમંદ તરીકે હોવાનું જણાય રહ્યું છે. મરણજનાર અને શકમંદે લાકડા કાપવાનો ઇજારો રાખ્યો હોવાનું અને ભાગીદારો વચ્ચે કોઇપણ બાબતે બોલાચાલી થયા બાદ આ હત્યા થઇ હોવાનું મનપાય રહ્યુ છે.આ ધટના અંગે પોલીસ દ્વારા ફરીયાદ લેવાની તજવીજ ચાલુ છે.