અહો આશ્ચર્યમ! એક્વેરિયમમાં વર્જિન ફીમેલ એનાકોન્ડાએ આપ્યો 18 બચ્ચાંને જન્મ, દુનિયા ચકિત..May 26, 2019

બોસ્ટનઃ બોસ્ટનના એક એક્વેરિયમમાં એક ફીમેલ એનાકોન્ડાએ 18 બચ્ચાંને જન્મ આપ્યો છે. આ બાબતથી દરેકને આશ્ચર્ય થઈ રહ્યું છે, કેમ કે તેણે જે એક્વેરિયમમાં બચ્ચાંને જન્મ આપ્યો છે તેમાં એક પણ મેલ એનાકોન્ડા ન હતો. તો પછી આખરે પ્રજનન થયા વગર ફીમેલ એનાકોન્ડાએ આટલા બધા બચ્ચાને જન્મ કેવી રીતે આપ્યો એ બાબત ચર્ચાનો વિષય બનેલી છે. આ ફીમેલ એનાકોન્ડાએ કુલ 18 બચ્ચાંને જન્મ આપ્યો હતો, જેમાંથી માત્ર 2 બેબી એનાકોન્ડા જ જીવિત છે, બાકીના 16નાં મોત થઈ ગયા છે. ન્યુ ઈંગ્લેન્ડ એક્વેરિયમના બાયોલોજિસ્ટ ટોરી બેબસને કે જેઓ અહીં એક્વેરિયમમાં રાખવામાં આવેલા પ્રાણીઓના કેરટેકર છે, તેમણે જણાવ્યું કે, "અમને સૌને પણ એ બાબતનું આશ્ચર્ય હતું કે, એક્વેરિયમમાં બેબી એનાકોન્ડા અહીંથી તહીં ફરી રહ્યા હતા. અમે એ જાણતા જ ન હતા કે અમારી પાસે એક ગર્ભવતી એનાકોન્ડા છે. અમારા આશ્ચર્યનું કારણ એ હતું કે અમારી પાસે એક પણ મેલ એનાકોન્ડા ન હતો."