પંજાબની કોંગ્રેસ સરકારમાં બળવા અને ઝઘડાના આસારMay 20, 2019

  • પંજાબની કોંગ્રેસ સરકારમાં બળવા અને ઝઘડાના આસાર

અમૃતસર તા. 20
પંજાબમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થાય તે પહેલાં સત્તાનો સંગ્રામ શરૂ થઈ ગયો છે. પંજાબનાં સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે રવિવારે આક્ષેપો કર્યા હતા કે નવજોતસિંહ સિદ્ધુ મને હટાવીને પંજાબનાં સીએમ બનવા કારસો રચી રહ્યા છે. તેમની નજર સીએમની ખુરશી પર છે. સિદ્ધુ કેપ્ટનની કેબિનેટમાં પ્રધાન છે પણ બંને વચ્ચે ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં સિદ્ધુનાં પત્ની નવજોત કૌરને ટિકિટ નહીં મળતા તેઓ કેપ્ટનથી નારાજ છે. આ નારાજગીને સમર્થન આપીને સિદ્ધુએ બળતામાં ઘી હોમ્યું છે. આ પછી સીએમ અમરિન્દરસિંહ ને સિદ્ધુને મહત્ત્વાકાંક્ષી ગણાવ્યા હતા અને વિવાદિત નિવેદન કર્યું હતું કે સિદ્ધુની ઇચ્છા મને હટાવીને પંજાબમાં સીએમની ખુરશી પર બેસવાની છે પણ તેમનો ટાઇમિંગ ખોટો છે.
નવજોત કૌર લોકસભાની ટિકિટ નહીં મળવાથી નારાજ હતા. આ માટે તેમણે કેપ્ટનને જવાબદાર ગણાવ્યા હતા. નવજોત કૌરે કહ્યું કે અમરિન્દરસિંહ અને પાર્ટીનાં મહામંત્રી પંજાબનાં પ્રભારી આશાસિંહે અમૃતસરથી ટિકિટ ન મળે તેની જડબેસલાક વ્યવસ્થા કરી હતી. ગયા વર્ષે દશેરાને દિવસે અમૃતસરમાં થયેલી રેલવે હોનારત પછી તેમને એમ હતું કે હું અહીંથી જીતી શકીશ નહીં.