UPની યોગી સરકારમાંથી ભડભડિયા મંત્રીને ગડગડિયુંMay 20, 2019

  • UPની યોગી સરકારમાંથી ભડભડિયા મંત્રીને ગડગડિયું

લખનૌ તા,20
લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં અને એક્ઝિટ પોલ જાહેર થયા બાદ રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યપાલ રામ નાઈકને તેમના મંત્રીમંડળમાં સામેલ ઓપી રાજભરને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે અને રાજ્ય સરકારે આ ભલામણને સ્વીકારી લીધી છે.
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ચીફ ઓપી.રાજભર હાલ યોગી સરકારમાં પછાત વર્ગ કલ્યાણ તેમજ દિવ્યાંગ જન કલ્યાણ મંત્રી છે. યોગીએ રાજ્યપાલને ભલામણ કરી છે કે તેઓને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરવામાં આવે. છેલ્લાં ઘણાં સમયથી રાજભર ભાજપ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ નિવેદનો આપતા રહ્યાં છે જેની ગણી ટીકા પણ થઈ છે. અનેક વખત ઓપી રાજભરે એવા નિવેદનો આપ્યાં છે કે ભાજપ માટે મુસીબતરૂપ બન્યાં છે. અને સપા તેમજ બસપાની તરફેણમાં ગયા છે. એવામાં હવે જ્યારે એક્ઝિટ પોલના પરિણામ સામે આવ્યાં છે અને ચૂંટણી પ્રક્રિયા મોટા ભાગે પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે તેમના વિરૂદ્ધ એકશનની વાત કરી છે. લોકસભા ચૂંટણી પહેલાં ઓમ પ્રકાશ રાજભરે પછાત વર્ગ મંત્રાલયની જવાબદારી છોડવાની રજૂઆત કરી હતી.
સરકારી સૂત્રોનું માનીએ તો આ સપ્તાહે કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરનું રાજીનામું લઇ શકે છે. સાથો સાથ જ તેમના દીકરા અરવિંદ રાજભરથી દરજ્જો પ્રાપ્ત રાજ્યમંત્રીનું પદ પણ છીનવી શકે છે. સાથો સાથ ડેમેજ કંટ્રોલની અંતર્ગત રાજ્યમંત્રી અનિલ રાજભરનું કદ વધારી પણ શકે છે.