રાજગઢમાં ઉનાળાનો માહોલ જામ્યો છે.May 20, 2019

 લીલીછમ્મ વનરાઈ ના કારણે ગરમી અને તાપથી લોકો પરેશાન થતા નથી. કેરીના અને ગુલમહોરના વૃક્ષો કુદરતનું સૌંદર્ય વધારી રહ્યા છે. શાળામાં વેકેશનના કારણે કેટલાક બાળકો મામાના ઘરે ગયા છે, તો કેટલાક રાજગઢમાં પોતાના મામાના ઘરે આવ્યા છે. સાંજ પડતા જ બાળકો અને મોટેરા બગીચામાં તેમજ નજીકના કુદરતી સ્થળોએ ફરવા નીકળી જાય છે. વીર વીરાના ઘરે પણ તેના કઝીન આવ્યા હોવાથી દોસ્તોની ટોળીની સંખ્યામાં વધારો થયો હતો.
આજે બધા બાળકો ખુશ હતા કારણ કે ગામની બહારના નવા બંગલામાં તેના જે નવા મિત્રો રહેવા આવ્યા હતા તેમાં ટીનાનો જન્મદિવસ હતો અને બધાને તેમની બર્થ-ડે પાર્ટીમાં જવાનું હતું. બધા જ દોસ્તો નવા કપડા પહેરીને ખુશ થતા બર્થ-ડે પાર્ટીમાં જવા લાગ્યા. બંગલામાં પહોંચ્યા તો જે બાળકો આવી ગયા હતા તે મ્યુઝિક સાથે ડાન્સ કરી રહ્યા હતા. વીર વીરા અને દોસ્તો પણ તેમાં જોડાયા થોડીવાર પછી તેઓ મ્યુઝિકલ ચેર અને બીજી ગેઈમ્સ પણ રમ્યા. આમ બધા બાળકો આનંદ કરી રહ્યા હતા. થોડીવારમાં ટીનાના મમ્મી કેક લઇને આવ્યા. સંગીતના સૂરો સાથે બધા બાળકો હેપી બર્થ ડે ટુ યુ... ગાઇ ટીનાને જન્મદિવસની શુભેચ્છા આપી ટીનાએ મીણબતીને ફુંક મારી, કેક કાપી. ટીનાની એક દોસ્ત નજીક આવી અને કેકનું ક્રીમ લઇને ટીનાના ચહેરા પર લગાવવા લાગી. બીજા દોસ્તોને પણ માસ્તી સુઝી આમ બધા ટીનાને વીશ કરવાના બદલે મસ્તીએ ચડી ગયા. તેમાંની એક બે ફ્રેન્ડ આગળ આવી અને ટીનાને બર્થડે બમ્પ કરવા લાગી પરંતુ આ શું? કેકનું ક્રીમ હોવાથી પગ લપસી જતા હાથ છટકી ગયો અને ટીના સાથે તેની બંને દોસ્ત પણ ધડામ કરતા ફર્શ પર પડ્યા. બીજા દોસ્તો ના પણ બચાવવા જતા પગ લપસ્યા. ટીનાની હાલત ખૂબ જ ખરાબ હતી. આંખમાં આંસુ હતા અને બીજી સહેલીને પણ સારુ એવું વાગ્યું હતું. તેના મમ્મી, પપ્પા એકદમ આવ્યા અને હોસ્પિટલ લઇ ગયા. બધા જ દોસ્તો ખુશીના બદલે દુ:ખી થયા અને પોતાના ઘરે ગયા. બે દિવસ બાદ વીરાનો બર્થ ડે હતો એટલે બધા દોસ્તોએ વિચાર્યું કે હવે બર્થ ડે પાર્ટી નહીં મળે પણ આશ્ર્ચર્ય વચ્ચે વીર વીરાએ બધા જ દોસ્તોને ઈન્વાઈટ કર્યા. બર્થ ડેના દિવસે બધા જ વીર વીરાના ઘરે આવ્યા તો ઘરે કાંઇ સેલિબ્રેશનનો માહોલ જોવા ન મળ્યો. બધા તો આશ્ર્ચર્યમાં મૂકાયા કે આપણને એપ્રિલ ફૂલ તો નથી બનાવ્યાને?
ત્યાં જ વીરાના ડેડી કાર લઇને આવ્યા અને બધાને તેમાં બેસી જવા કહ્યું. બધા જ દોસ્તો એક અનાથાશ્રમ પાસે આવ્યા, જયાં ખૂબ સાદાઈથી દીવડા અને ફૂલો વડે ડેકોરેશન કર્યું હતું. ત્યાં પણ બાળકો નવા કપડા પહેરીને તૈયાર હતા. પહેલા સરસ્વતી સ્તુતિ કરી શાંતિથી કેક કાપી અને પછી વીર વીરાએ બધા દોસ્તોને બર્થ ડે સેલિબ્રેશનમાં ટીનાના ઘરની વાત યાદ કરાવી અને બધાને કહ્યું કે આજથી આપણે બધા નિર્ણય કરીએ કે બર્થ ડેમાં કોઇને હેરાનગતિ થાય એ રીતે સેલિબ્રેશન નહીં કરીએ. આપણે કેકને એકબીજાના મોં પર લગાડીને બગાડ કરીએ છીએ. જયારે ગરીબ બાળકોને કેક જોવા પણ નથી મળતી. ઘણીવાર હસવામાંથી ખસવું થઇ જાય છે. કયારેક સ્પ્રે છાંટવામાં આગ લાગવાનો પણ ભય રહે છે. તેથી હંમેશા બર્થ ડે ને યાદગાર બનાવવા જરૂરિયાતમંદ લોકના મોં પર સ્માઈલ લાવવાનો પ્રયત્ન કરીએ. બધા એ તાળીના ગડગડાટથી આ વાત વધાવી લીધી અને છેલ્લે ગાર્ડનમાં જઇ બધાએ ભોજનનો સ્વાદ માણ્યો અને ખુશ થતા છૂટા પડ્યા.
બોધ: બર્થ-ડે જીવનનો યાદગાર પ્રસંગ છે. તેમાં વધારે પડતી મસ્તીથી કયારેક હેરાનગતિનો ભોગ બનવું પડે છે અને આ ખાસ દિવસે ખુશીના બદલે દુ:ખી થવાનો વારો આવે છે. સંગીતના સૂરો સાથે બધા હેપી બર્થ ડે ટુ યુ ગાઈ રહ્યાં હતાં ત્યાં જ ટીનાની ફ્રેન્ડને મસ્તી સૂઝી અને આ શું? મસ્તીના બદલે બધાના મોં પડી ગયા બધા દોસ્તોએ વિચાર્યું કે ટીનાના ઘરે બનેલા બનાવથી વીરા બર્થ-ડે પાર્ટી નહીં આપે પણ વીરાએ એવી પાર્ટી આપી કે દોસ્તોને ખુશી સાથે એક શીખ પણ મળી