ગુજરાતની 26 બેઠક માટે 600 કરોડનો સટ્ટો ખેલાયો !May 16, 2019

રાજકોટ તા.15
લોકસભાની ચૂંટણીનું 19 મી મે ના રોજ અંતિમ તબક્કાનું મતદાન યોજાવાનું છે અને 23 મી મે ના દિવસે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે તે પૂર્વે સટ્ટાબજારમાં હલચલ મચી ગઇ છે. ખાસ કરીને ભારતભરમાં સટ્ટાબજારમાં ગુજરાત ટોચ ઉપર છે.
ગુજરાતની 26 બેઠકો માટે અંદાજે 600 કરોડ રૂપિયાનો સટ્ટો અત્યારથી ખેલાય ગયો છે.
દેશમાં કયાં પક્ષને કેટલી બેઠકો આપશે તેના કરતા ગુજરાતમાં 26 બેઠકોમાંથી ભાજપને કેટલી અને કોંગ્રેસને કેટલી બેઠકો મળશે તેના ઉપર સટ્ટો વધારે ખેલાયો હોવાનું બુકીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં બુકીઓના મતે કોંગ્રેસને ત્રણ બેઠકો તો મળી જ રહી હોવાનું કહી રહ્યા છે જેમાં આણંદ, પાટણ અને અમરેલીમાં કોંગ્રેસ જીતે છે તેના ઉપર પંટરોએ કરોડો રૂપિયાના સોદા કર્યા છે.
જ્યારે ભાજપની બેઠકોમાં જામનગર, પોરબંદર, રાજકોટ, બનાસકાંઠા, જૂનાગઢ, ભાવનગર, કચ્છ બેઠક ઉપર ભાજપ જીતે છે તેના ઉપર પંટરોએ કરોડો રૂપિયાનો દાવ ખેલ્યો હોવાનું બુકીબજારે જણાવ્યું હતું. બુકીબજારમાં 22 મી બપોર સુધીમાં ચૂંટણીમાં ભાવો ચાલુ રાખશે. બપોર બાદ ભાવો બંધ કરી દેશે.
ગુજરાતમાં ભાજપને 21 બેઠકો મળી રહી હોવાનું બુકી બજાર કહેતા જ સૌથી વધુ સટ્ટો ભાજપને 22 બેઠકો મળી રહી છે તેના ઉપર સટ્ટો ખેલાયો છે અને કોંગ્રેસને પાંચ બેઠકો મળશે તેના ઉપર કરોડો રૂપિયા લાગ્યા હોવાનું બુકી બજારે જણાવ્યું હતું.
જ્યારે રાજકોટ બેઠક ઉપર મોહનભાઇ કુંડારીયાનો ભાવ ફક્ત ચાર પૈસા હોવાથી તે કેટલા મતની સચ્ચાઇથી જીતશે તેના ઉપર દાબ વધારે લાગી રહ્યો છે. આમ ચૂંટણીના પરિણામોની તારીખ નજદીક આવતા જ બુકી સટ્ટાબજારમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં બીજેપીને 22 બેઠકો મળશે: સટ્ટાબજાર ગુજરાતમાં 26 બેઠકોમાંથી ભાજપને 22 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને ચાર બેઠકો મળી હોવાનું બુકી બજાર કહી રહ્યું છે. કોંગ્રેસ અમરેલી, આણંદ અને પાટણમાં મજબુત સ્થિતિમાં છે. જ્યારે અન્ય 22 બેઠકોમાં ભાજપ મજબુત સ્થિતિમાં હોવાનું બુકીઓએ જણાવ્યું હતું. 23મીએ મતગણતરી થશે. લોકસભાની 543 બેઠકો પૈકી 484 બેઠકો ઉપર ઉમેદવારોનું ભાવી સીલ થઇ ગયું છે ત્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને છે તેનો ભાવ 1 રૂપિયાની સામે 14 પૈસા છે અને રાહુલ ગાંધી વડાપ્રધાન બને છે તેનો ભાવ પાંચ રૂપિયા છે. પરિણામોને હવે માત્ર આઠ દિવસ બાકી છે ત્યારે સટ્ટાબજારમાં ગરમાવો આવી ગયો છે. બીજેપીને 235 કોંગ્રેસને 82 બેઠકો મળી શકે છે મોટાભાગની બેઠકોની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. ભાજપને એકલા હાથે 235 જેટલી બેઠકો મળી રહી હોવાનું સટ્ટાબજારે જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસને 82 જેટલી બેઠકો મળી રહી હોવાનું સટ્ટાબજાર કહી રહ્યું છે. આમ અન્ય પક્ષો બાજી મારે તો નવાઇ નહીં. બુકી બજારનાં ભાવો ઉપરથી એટલું કહી શકાય છે.