બટન લાખનાં બોલપેન સવા લાખની !May 03, 2019

આંગળીના ટેરવે ખેલતી વૈવિધ્યસભર હસ્તકલાઓ માટે સરહદી કચ્છ મુલક ભારે જાણીતો જ નહીં માનીતો બન્યો છે. અહીંની ભિન્ન-ભિન્ન જ્ઞાતિઓમાં પાંગરતી ભરત-ગૂંથણ, કાષ્ટની કોતરકલા, માટીની કુંભકલા, હાથસાળની વણાટકલા, લોખંડી પતરાની ખરકી કલા, કાપડની પેચકલા, રંગોની રોગાનકલા, ચામડામાંથી સર્જાતી ચર્મકલા, ભીંડીના બંધને બંધાતી બાંધણીકલા કે પછી કલાત્મક બિબાંથી બનતી અજોડ અજરખકલા દરેક કસબ પોતપોતાની આગવી પરંપરા અને પ્રકૃતિ ધરાવે છે. ખાસ કરીને રણોત્સવને પગલે આ ગામે દેશી-વિદેશી પર્યટકોના વધતા વ્યાપને લઇ આ કસબી હવે મોટા કદની કૃતિઓને બદલે ટચૂકડા વેલણ, મુખવાસની દાબલી, કંકાવટી, હીરવટણી, ભમરડા જેવી આબેહુબ કૃતિઓનું નિર્માણ કરે છે, તેમાં પણ છેલ્લે કોટ-બંડીના લાખ અને કોતર કલાના મિશ્રણથી નિર્માણ થતાં બટને ભારે આકર્ષણ જમાવ્યું છે. તો હાલમાં જ આ કારીગરે લીસ્સી લાકડી પર લાખની લોર (લ્હેર) કળા આલેખી નિર્માણ કરેલ લેખિની (બોલપેન)ની ભારે બોલ બાલા છે. દેશી હોય કે વિદેશી પોતાના ખિસ્સામાં લાખ કંડારેલી બોલપેન રાખી ભારે ગર્વ અનુભવે છે. અને એટલે જ વિદેશમાંથી આવતા નગોરા લોકોની લાખ કળામાં લપેટાયેલી કલાત્મક બોલપેન ફર્સ્ટ ચોઇસ બની છે.