યુગ પ્રવર્તક વર્ધમાન તપોનિધિ પૂજ્ય ભુવનભાનુસૂરીશ્ર્વરજી મહારાજાMay 02, 2019

મદાવાદમાં કાળુશીની પોળમાં શ્રી સંભવનાથ જિનાલયની બાજુમાં ચીમનભાઇ અને ભુરીબેનના ઘરે પુત્ર જન્મ થયો. જાણે ભવિષ્ય ભાખતા તેનું નામ કાંતિ રાખવામાં આવ્યું જેણે જીવનમાં ક્રાંતિ સર્જી પોતાના નામ પ્રમાણે કાંતિ ફેલાવી
સમગ્ર વિશ્ર્વને જૈન ધર્મનાં અહિંસા, સત્ય, સદાચાર, પ્રેમ અને કરૂણાનો સંદેશ આપ્યો. બાળપણમાં
જ પોળમાં
વિદ્યાશાળાના ભવ્ય ઉપાશ્રયમાં ગુરુ પૂજ્ય શ્રી પ્રેમવિજયજી મ. પાસે 5 મિનિટમાં 5 ગાથા ગોખતા કાંતિને જોઇને જ ગુરુદેવને તેનામાં ઉજ્જવળ સાધુ જીવનના દર્શન થયા. આવી પ્રતિભાને કારણે તેમણે વ્યવહારિક અભ્યાસમાં ઇન્સ્ટીટયુટ ઓફ બેંકર્સ અને ઇંગ્લેન્ડની સી.એ. સમકક્ષ જી.ડી.એ.ની પરીક્ષા મેરિટ સાથે પાસ કરી બેંકમાં ઉચ્ચ પદવી પર આરૂઢ થયા. સંસારની જવાબદારી નિભાવતા મન તો સંયમ માર્ગે જવા ઇચ્છતું હતું. યુવાન વયે ભાઇના મૃત્યુએ કાંતિના સંયમ રંગને વધુ પાકો કર્યો એ જ અરસામાં પૂજ્ય પ્રેમસૂરીશ્ર્વરજી મહારાજ ફરી પધાર્યા અને કાંતિએ બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લીધી. સંયમ માર્ગે જવા ઉત્સુક આત્મા સંસારમાં અકળાવા લાગ્યો. માતા-પિતા પાસે સંયમ માર્ગે જવા અનુમતિ ન મળતા નાના ભાઇ પોપટ સાથે ગૃહત્યાગ કર્યો અને ચાણસ્મા ગુરુદેવ પાસે પહોંચી ગુરુ આજ્ઞામાં શ્રી સંઘની હાજરીમાં પોષ સુદ 12, વિ.સં.1991ના દિવસે દીક્ષા ગ્રહણ કરી કાંતિલાલ મુનિરાજ શ્રી ભાનુવિજયજી મ.સા. બન્યા અને ભાઇ પોપટ મુનિરાજશ્રી પદ્મવિજયજી મ. બન્યા.
મોંઘેરું, મહામુલુ સંયમ જીવન શરૂ થયું. સ્વાધ્યાય માટે 18-18 કલાક મહેનત કરતા, સમય બચાવવા છઠ્ઠના પારણે છઠ્ઠ તથા રાત્રીના બધા જ નિદ્રાધીન થાય ત્યારે ચંદ્રના કિરણોના પ્રકાશે લોકોની આંખો ઉઘાડતા ગ્રંથોની રચના કરી. પોતાના નામને સાર્થક કરતા બાહ્ય અને અભ્યંતર તપમાં લીન બનીને ‘સ્વ’ અને ‘પર’ના જીવનમાં પણ પ્રકાશ ફેલાવતા. પૂજ્યશ્રી યુવા શિબિરના પ્રણેતા હતા. માઉન્ટ આબુથી તેઓએ યુવા શિબિરની શરૂઆત કરી હતી અને નાસ્તિક યુવાનોને આસ્તિક કર્યા હતા. જેનાથી સેંકડોએ ચારિત્ર અંગીકાર કર્યા અને હજારો શાસનસેવકો થયા.
ગુરૂદેવ પ્રભુદર્શનના તન્મયી રહ્યા. દેરાસરમાં સુમધુર કંઠે વિવિધ રાગોમાં સ્તવન કરી દેરાસરના વાતાવરણને તિર્થભૂમિમાં ફેરવતા અને કોઇકવાર સાંજે ભક્તિમાં એવા લીન થઇ જતા કે પાણી વાપરવાનું પણ ભૂલી જતા. શિથિલ તન અને લોખંડી મન ધરાવતા. કલકત્તાના લાંબા વિહારમાં પણ તેઓએ દોષિત આહાર વાપર્યો નથી. ગુરૂજી 80 વર્ષે પણ સ્ટ્રેચરમાંથી ઉતરી જતા અને ચાલીને વિહાર કરતા ન્યાય વિશારદ પૂજય ગુરૂદેવ પોતાના શિષ્યોને સ્તવન તો કોઇને ન્યાયનો પાઠ કહેતા. પૂજ્યશ્રીને જ્યારે હાર્ટએટેક આવે છે ત્યારે ડોકટર કમ્પ્લીટ રેસ્ટ લેવાનું કહે છે, આવા સમયે પણ તેઓ લખવાનું ચાલુ રાખે છે અને રાઇટિંગ એ જ રેસ્ટ છે તેમ જણાવે છે. ક્ધનડભાષી ડોકટરોને તેઓ અંગ્રેજીમાં પ્રવચન આપી સ્તબ્ધ કરી દે છે. તેઓ સમાધિને આપનાર હતા. અંતિમ સમયે હજારો કામ પડતા મૂકીને ‘સ્વ’ અને ‘પર’ના સમાધિનું ઘ્યાન રાખતા અને કોઇને પણ સમાધિ મળે તેવી સજઝાય અને સ્તવન કરતા.
અપ્રમત સાધના કરનારા ગુરૂજી હોસ્પિટલમાં પણ શિષ્યોને આગમની સમજણ આપતા. 82 વર્ષની વયે પેરેલિસિસનો એટેક આવ્યો હોવા છતાં ઉભા ઉભા પ્રતિક્રમણ કરતા. ચૈત્ર વદ 13, વિ.સં.2049ના દિવસે બપોરે 1 કલાકને 25 મિનિટે પૂજ્યશ્રીએ નવકાર ગણતા ગણતા સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો. તેમની પાટે અત્યારે ગચ્છાધિપતિ પૂ.જયઘોષસૂરી મ.સા. બિરાજમાન છે અને 550 સાધુનો સમુદાય છે. ‘ભુવનભાનુના અજવાળા’ પુસ્તકમાં તેમનું જીવન ચરિત્ર અદ્ભૂત રીતે આલેખાયેલ છે. આજે દેહથી તેઓ હાજર નથી પરંતુ પંકજ સોસાયટી અમદાવાદ, બિરલા બ્રીજ, પુના ગોડીજી વગેરે ધર્મસ્થળોએ સાક્ષાત ગુરુમૂર્તિ બિરાજે છે. જેના દર્શન કરીને ધન્ય બની જવાય છે. આવા ગુરૂને આજે તેમના ર7માં સ્વર્ગારોહણ દિને કોટિ કોટિ વંદન કરી ફૂલ નહીં પણ પાંખડીની જેમ એકાદ ગુણ આપણામાં ઉતારીએ.