લોજિસ્ટિક સેક્ટરમાં જોડાવ, તો કયારેય નહીં પડે રોજગારીના સાંસાMay 08, 2019

મુંબઈ તા,૮
ભારતમાં યોગ્ય કરિયર પસંદ કરવી પડકારજનક કામ છે. જે ક્ષેત્રમાં તમારે કરિયર બનાવવી છે તેના વિકાસથી લઈને તમારી જોબ સિક્યોરિટી કેવી રહેશે, તેમજ બીજી પણ ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. આ બધી વાતો વચ્ચે જો કોઈ ક્ષેત્ર સતત વિકસી રહ્યું હોય, તો તે છે લોજિસ્ટિકસ એન્ડ સપ્લાય ચેઈન મેનેજમેન્ટ. સમગ્ર વિશ્વમાં આ સેક્ટર ૪ કરોડ લોકોને રોજગારી આપી રહ્યું છે, અને હાલમાં તેનો ખૂબ જ ઝડપથી ગ્રોથ થયો છે. ઈકોનોમિક સર્વે ૨૦૧૭-૧૮ના જણાવ્યા અનુસાર, લોજિસ્ટિકસ એવું ક્ષેત્ર છે કે જે રસ્તા, રેલવે, હવાઈમાર્ગ તેમજ દરિયાઈમાર્ગ સાથે જોડાયેલું છે, અને ૨૦૨૧ સુધીમાં તે ૨૧૫ અબજ ડોલરને આંબી જાય તેવી શક્યતા છે.
ભારતમાં પણ આ ક્ષેત્ર છેલ્લા ઘણા સમયથી સતત વિકસી રહ્યું છે, અને તેમાં હજારો લોકોને રોજગારીની તકો મળી રહી છે. સપ્લાય ચેઈન અને લોજિસ્ટિકસ મોટાભાગના બિઝનેસનો આંતરિક ભાગ છે, અને ઓનલાઈન માર્કેટપ્લેસ જે રીતે વિકસ્યું છે તેનાથી આ ક્ષેત્રનો વિકાસ ખૂબ જ વધ્યો છે. કોઈપણ કંપની માટે સરળતાથી પોતાનું કામકાજ ચલાવવા માટે તે પાયાની જરુરિયાત છે, અને વધુને વધુ લોકો દરેક ફિલ્ડમાં લોજિસ્ટિકસ અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટનું મહત્વ સમજી રહ્યા છે. તેવામાં તેમાં કરિયર બનાવવા ચોક્કસ વિચાર કરવો જોઈએ.
મંદીની કોઈ અસર નથી થતીલોજિસ્ટિકસ અને ચેઈન સપ્લાય ક્ષેત્રમાં કરિયર બનાવવાનુ સૌથી મોટું અને મહત્વનું કારણ એ છે કે આ ક્ષેત્રને મંદીની કોઈ અસર નથી થતી. દરેક આર્થિક સ્થિતિમાં લોજિસ્ટિકસની જરુરિયાત વધતી જ રહેશે. આ સાદું જ્ઞાન આ સેક્ટરમાં કરિયર બનાવવા તેને માટે શ્રેષ્ઠ બનાવે છે તેમજ તેના પ્રત્યેનો વિશ્વાસ વધારે છે. એફઈડીઈએકસ, ડીએચએલ ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી વૈશ્વિક કંપનીઓ હંમેશા આ સેક્સટમાં સ્પેશિયાલિસ્ટ લોકોને શોધતી હોય છે, જેથી તેમાં નોકરીની તકો પણ વિશાળ છે. આ સેક્ટરમાં નોકરીની ગેરંટી છે, અને અર્થતંત્ર વધવાની જે આગાહીઓ કરવામાં આવી છે તેને જોતા તો આ ક્ષેત્રમાં તકો ઘણી વધશે.
લોજિસ્ટિકસ અને ચેઈન સપ્લાય મેનેજમેન્ટ મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈ-કોમર્સ, ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રોનું તો અવિભાજ્ય અંગ છે. કોઈ એક ક્ષેત્રમાં જો ક્યારેક કામકાજ મંદ હોય તો બીજા ક્ષેત્રોમાં તો તેજી ચાલુ હોય છે, અને આ કારણે જ આ ક્ષેત્રમાં આગળ વધવાની તકો હંમેશા ઘણી સારી રહે છે. આપણા દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધેલું ફોકસ, ઈ-કોમર્સનું વિસ્તરણ તેમજ વેરહાઉસિંગની સતત વધતી સંખ્યાનો સીધો લાભ લોજિસ્ટિક્સ અને ચેઈન સપ્લાયને જ થશે.