‘મેરે જીવન સાથી...’ સરકાર શોધી દે!May 06, 2019

મેરઠ તા,6
ઉત્તર પ્રદેશના કેરાના ગામમાં સ્થાનિક સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અમિત પાલ શર્માને એક એવી સમસ્યાનો સામનો કરવો પડ્યો, જેની તેમણે કદાચ જ કલ્પના કરી હશે. માત્ર 2 ફૂટ 3 ઈંચના અઝીમ મંસૂરીને 26 વર્ષ થવા છતાં પણ યોગ્ય જીવનસાથી નથી મળી રહી અને આ સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે તેણે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની મદદ માંગી. પાંચમા ધોરણથી જ અભ્યાસ છોડી દેનારા અઝીમે દાવો કર્યો કે તેનો પરિવાર યોગ્ય જીવનસાથી શોધવામાં તેની મદદ નથી કરી રહ્યો. અઝીમે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને પોતાનું દુ:ખ જણાવ્યા બાદ પોલીસની એક ટીમ કેરાનાના ચોક બજાર વિસ્તારમાં પહોંચી. પોલીસની ટીમે આ અંગે અઝીમના પરિવારજનો સાથે વાતચીત કરી.
અઝીમે દાવો કર્યો કે, પોલીસ અધિકારીઓએ તેને આશ્વાસન આપ્યું છે કે, કાર્યવાહી થશે અને પરિવારને યોગ્ય જીવનસાથી શોધવા માટે બે મહિનાનો સમય આપ્યો છે. અઝીમે કહ્યું કે, પોલીસવાળા મારા ઘરે આવ્યા હતા. તેમણે મને આશ્વાસન આપ્યું છે કે, જો મારો પરિવાર બે મહિનામાં જીવનસાથી શોધવામાં નિષ્ફળ રહે છે તો તેઓ આ કામમાં મારી મદદ કરશે.
બીજી તરફ, આ મામલે મદદ કરવા પહોંચેલી સ્થાનિક પોલીસ મૂઝવણમાં છે. પોલીસનું કહેવું છે કે, ‘તાલુકા દિવસ પર અઝીમની ફરિયાદ બાદ અમે તપાસ માટે ટીમ મોકલી હતી. અઝીમના પિતા અને કાકા તેના લગ્ન કરાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અમે તેમને શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. અઝીમને વિશ્વાસ છે કે તે લગ્ન પછી પરિવાર ચલાવી શકે છે.
સાથે જ સપનું જોઈ રહ્યો છે કે આ રમજાન પર તે પોતાની પત્ની સાથે રોજા રાખશે.’
અઝીમે ગત વર્ષે લખનૌમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પણ મુલાકાત લીધી હતી અને યોગ્ય પત્ની શોધવામાં તેમની મદદ માગી હતી.