અંબાતી રાયડૂને ‘મજાક’ ફળી !April 18, 2019

મુંબઈ તા,18
અંબાતી રાયડૂએ વિશ્વ કપની ભારતની 15 સભ્યોની ટીમમાં તેને સ્થાન ના મળતા તેણે આ નિર્ણયની મજાક ઉડાવતા ટ્વિટ કર્યું હતું. તો આને હવે બીસીસીઆઈએ પોતાનું નિવેદન આપ્યું છે. બીસીસીઆઈએ બુધવારનાં કહ્યું કે, આ ખેલાડી પર દંડ ફટકારવાની કોઈ જ યોજના નથી. અંબાતી રાયડૂને વિશ્વ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમમાં સ્થાન નથી મળ્યું અને ઑલરાઉન્ડર વિજય શંકરને તેની જગ્યાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું.
ત્યારબાદ અંબાતી રાયડૂએ મંગળવારનાં રોજ ટ્વિટ કર્યું કે, તેણે 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા વર્લ્ડ કપની મેચો જોવા માટે 3ડી ચશ્માનો ઑર્ડર આપ્યો છે. મુખ્ય પસંદગીકર્તા એમએસકે પ્રસાદે વિજય શંકરની પસંદગીને યોગ્ય ઠેરવતા કહ્યું હતુ કે, તે ત્રણ રીતે સક્ષમ છે. બોલિંગ, બેટિંગ અને ફીલ્ડિંગ. ત્યારબાદ અંબાતી રાયડૂએ 3ડી ચશ્માવાળું ટ્વિટ કર્યું.
બીસીસીઆઈએ આ ટ્વિટ પર ધ્યાન આપ્યું છે, પરંતુ આમાં પસંદગી પ્રક્રિયાની પ્રત્યક્ષ રીતે આલોચના કરવામાં આવી નથી આ કારણે સંસ્થા તેની પર કોઈ કાર્યવાહી કરશે નહીં. બીસીસીઆઈનાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, રાયડૂએ જે પણ ટ્વિટ કર્યું, તેની નોંધ લેવામાં આવી છે. જો કે અત્યારે ભાવનાઓ ઘણી જોરથી બહાર આવી રહી હશે તેને સ્વીકાર કરીએ છીએ. નિરાશા તો થશે જ અને આ ભાવનાઓને વ્યક્ત કરવા માટે કશુંક જોઇએ પણ, પરંતુ આ મર્યાદાની બહાર ના હોવું જોઇએ.
અધિકારીએ કહ્યું કે, તેને આ નિરાશા સ્વીકાર કરવા માટે થોડાક સમયની જરૂર છે અને આ સમજી શકાય છે. આ માટે દંડની કોઈ જરૂર નથી અને સાથે તે અમારા સ્ટેન્ડબાયમાંથી એક છે. જો કોઈને ઇજા થાય છે તો તેને જવાની તક મળશે. રાયડૂ ગત મહિને ઑસ્ટ્રેલિયા સામે 3વાર અસફળ રહ્યા બાદ વિશ્વ કપ માટે તક ચુક્યો.