22 લાખનું 223 ગ્રામ હેરોઇન લઈને નીકળેલ માતા-પુત્રની ધરપકડApril 17, 2019

નશાના કારોબારમાં વધુ એક વખત જંગલેશ્ર્વરનું નામ ઉછળ્યું રાજકોટ તા.17
રાજકોટ શહેરમાં નશાના કાળા કારોબાર ઉપર પોલીસ બાજનજર બનીને ત્રાટકી રહી છે અગાઉ ચરસ, ગાંજો, અફીણ સહિતના માદક પદાર્થો સાથે ગુનેગારોને દબોચી લીધા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે જંગલેશ્વરમાં વોચ ગોઠવી એક્ટિવામાં પ્લાસ્ટિકની થેલીમાં 223.370 ગ્રામ હેરોઇન લઈને નીકળેલા જંગલેશ્વરના સંધિ મુસ્લિમ માતા-પુત્રને દબોચી લઇ 22,33,700 રૂપિયાનો માદક પદાર્થ હેરોઇન, એક એક્ટિવા સહીત 22,62,450 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો આ માતા-પુત્ર પાસેથી કોલેજીયન યુવકો છૂટક ખરીદી કરી જતા હોવાનું જાણવા મળ્યું છે આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા તેમજ કેટલા સમયથી આ ધંધામાં સક્રિય છે તે જાણવા વધુ તપાસ ભક્તિનગર પોલીસને સોંપવામાં આવી છે.
શહેરમાં ચૂંટણી સંદર્ભે ગેરકાયદે પ્રવૃતિઓ ડામી દેવા અને નશાનો કારોબાર કરતા શખ્સો ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર અગ્રવાલ,જેસીપી ખત્રી, ડીસીપી શૈની, ડીસીપી જાડેજા, એસીપી ક્રાઇમ સરવૈયાની સૂચનાથી ડીસીબી પીઆઇ એચ એમ ગઢવી અને ભક્તિનગર પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અતુલ સોનારા, પી એમ ધાખડા, અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મહેશભાઈ મંઢ અને નિશાંતભાઈ પરમારની બાતમી આધારે અનિલભાઈ સોનારા, હરદેવસિંહ રાણા, અજીતસિંહ પરમાર, સમીરભાઈ શેખ, નિલેશભાઈ ડામોર, યોગેન્દ્રસિંહ જાડેજા, પ્રતાપસિંહ ઝાલા, દિલીપભાઈ ગઢવી, રણજીતસિંહ પઢીયાર, તોરલબેન જોશી, નરેન્દ્રસિંહ રાણા, વિરેન્દ્રસિંહ જાડેજાને સાથે રાખીને દેવપરાથી જંગલેશ્વરમાં જતા રસ્તા ઉપર એક્ટિવામાં માદક પદાર્થનો જથ્થો લઈને એક વૃદ્ધ મહિલા અને એક આધેડ પુરુષ પસાર થવાના છે આ બાતમી આધારે વોચ ગોઠવી હતી દરમિયાન વીજપોલ પાસે એક એક્ટિવામાં વર્ણન મુજબના મહિલા - પુરુષ પસાર થતા તેમને અટકાવી નામઠામ પૂછતાં જંગલેશ્વર શેરી નંબર 28માં નદી કાંઠે રહેતા રફીકભાઇ ઇબ્રાહીમભાઇ બેલીમ ઉ.50 જાતે સંધી મુસિલમ અને વૃદ્ધ મહિલા તેની માતા જુંબેદાબેન ઇબ્રાહીમભાઇ બેલીમ ઉ.70 હોવાનું જણાવ્યું હતું પોલીસે એક્ટિવાની ડેકી ચેક કરતા રેંટિયો તુવેર દાળની પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી જે ચેક કરતા અંદરથી માદક પદાર્થ મળી આવ્યો હતો જે અંગે એફએસએલની મદદ લઇ તપાસ કરાવતા આ પદાર્થ હેરોઇન હોવાનું અને તેની 1 ગ્રામની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 10 હજાર રૂપિયા હોવાનું જાણવા મળતાં પોલીસે વજન કરી કુલ 223.370 ગ્રામ હેરોઇન જેની કિંમત 22,33,700 રૂપિયા થાય છે તે હેરોઇનનો જથ્થો, એક એક્ટિવા અને રોકડા 8750 મળી કુલ 22,62,450 રૂપિયાનો કબ્જે કરી માતા-પુત્રની ધરપકડ કરી હતી આ માતા-પુત્ર કોલેજીયન યુવકોને છૂટક વેચાણ કરતા હોવાનું અને તેઓની પાસેથી મોટી રકમ વસુલ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે.
આ અગાઉ પણ એક જંગલેશ્વરનો એક મુસ્લિમપરિવાર ગાંજાનો મોટા પાયે વેચાણ કરતો હોય એસઓજીની ટીમે મોટો જથ્થો કબ્જે કરી વૃદ્ધ મહિલા, તેની દીકરી, જમાઈ સહિતનાઓની ધરપકડ કરી હતી ત્યાં ફરી એક પરિવાર આ ગોરખ ધંધામાં સક્રિય થતા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી નાખ્યો છે માતા-પુત્ર સિવાય અન્ય કોઈ આ ધંધામાં સંડોવાયેલ છે કે કેમ, આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કેટલા સમયથી આ ધંધામાં સક્રિય છે તે સહિતના મુદ્દે રિમાન્ડ મેળવવા અને તપાસ એસઓજીને સોંપવામાં આવી છે વૃદ્ધા પોતાના વિસ્તારમાં જુમ્મા ડોશીના નામે ઓળખાતી હોવાનું પણ જાણવા મળ્યું છે.