IPL: આજે CSK સામે SHની ટક્કરApril 17, 2019

હૈદરાબાદ: વર્લ્ડ કપની ટીમમાં પસંદગી પામવાનું ચૂકી જવા પછી અંબાતી રાયુડુ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની બુધવારે અહીં સનરાઈઝર્સ હૈદરાબાદ (એસ. એચ.) સામે રમાનારી મેચમાં સફળતાના પંથે પૂરઝડપથી આગળ વધી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ (સી. એસ. કે.)ની ટીમ વતી વ્યક્તિગત મોટો સ્કોર નોંધાવી રાષ્ટ્રના સિલેક્ટરોનું ફરી ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરશે.
રાયુડુની બાકાતી મહેન્દ્રસિંહ ધોનીની ટીમની સ્પર્ધામાં ભરપૂર સફળતામાં એકમાત્ર નિરાશા બની છે, જે નોક-આઉટ તબક્કામાં પ્રવેશ મેળવવા હવે ફક્ત એક વિજય દૂર છે.
રાષ્ટ્રની ટીમમાં ચોથા ક્રમના બેટધર તરીકે એક સમયે નિશ્ર્ચિત રહેલા હૈદરાબાદના જમણેરી બેટ્સમેન રાયુડુએ રાજસ્થાન રોયલ્સ સામે અડધી સદી ફટકારી પોતાનું થોડું ફોર્મ ફરી દાખવ્યું હતું અને વર્લ્ડ કપમાંથી બાકાતીની નિરાશામાંથી બહાર આવી તે એક લાંબો દાવ રમવા ઉત્સુક હશે.
પોતાની આઠ મેચમાંથી 14 પોઈન્ટ સાથે સુપર કિંગ્સ હાલ મોખરાના સ્થાને છે. જ્યારે કેન વિલિયમસનની ટીમ સનરાઈઝર્સ પરાજયની હેટ-ટ્રિકની નાલેશી સાથે પોઈન્ટ-કોષ્ટકમાં અચાનક નીચે સરકી પડી છે જેમાં દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી મેચમાં તેનો અસાધારણપણે બેટિંગ ધબડકો થયો હતો. મોટી વયના ખેલાડીઓ સાથેની સુપર કિંગ્સની ટીમની તાકાત સનરાઈઝર્સ માટે તેણે અત્યાર સુધીમાં રમેલી મેચોમાં પડતીનું કારણ બની છે અને તે જોની બેસ્ર્ટોવ તથા ડેવિડ વોર્નરની તેના ઓપનિંગ બેટ્સમેનોની જોડી નિષ્ફળ જતા તેનો પરાજય થયો છે. વોર્નરના કુલ 400 અને બેસ્ર્ટોવે નોંધાવેલા 304 રન સિવાય, ટીમમાં તે પછીનો મુખ્ય રનકર્તા વિજય શંકર રહ્યો છે જેણે 132 રન કર્યા છે.
ટીમની મુખ્ય સમસ્યા તેની મધ્યમ ક્રમની બેટિંગ રહી છે જેમાં મનીષ પાંડે (છ મેચમાં 54), દીપક હૂડા (છ મેચમાં 47) અને યુસુફ પઠાણ (છ મેચમાં 32) બિલકુલ નિષ્ફળ ગયા છે.
હકીકતમાં, પઠાણ અત્યાર સુધી તેની ભૂતકાળની પ્રતિષ્ઠાના બળે રમતો રહ્યો છે અને ઘણા લાંબા સમયથી તેણે એકેય વિજયી દાવ રમ્યો નથી. બીજી તરફ, સુપર કિંગ્સના ખેલાડીઓ વિવિધ પિચ પર અનેક વેળા સારો દેખાવ કરી ટીમની સહાયે આવ્યા છે તથા કેપ્ટન ધોનીની ઘણીખરી વ્યૂહરચના સફળ બની છે. પીઢ હરભજને ચેપોકની ધીમી પિચ પર કે મિચેલ સેન્ટનરે હરીફ ટીમોના કેન્દ્ર પરની મેચોમાં કરકસરભરી બોલિંગ કરી ટીમની સફળતામાં સારો ફાળો આપ્યો છે. સુપર કિંગ્સની ટીમનો આ વેળાની સ્પર્ધાનો મુખ્ય સિતારો દક્ષિણ આફ્રિકાનો 40 વર્ષનો આયાતી ખેલાડી ઈમરાન તાહીર બન્યો છે જેણે અત્યાર સુધીમાં કુલ 13 વિકેટ ઝડપી તેના સુકાનીની યોજનાને સફળ બનાવવામાં ભાગ ભજવ્યો છે.