ગુજરાત એટીએસએ નવી દિલ્હીમાંથી 24 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું : કચ્છમાંથી મોકલાયું હોવાનો ધડાકો પાકિસ્તાન-કચ્છ-દિલ્હી: ડ્રગ્સ નેટવર્કનો નવો રૂટApril 16, 2019

રાજકોટ તા,16
પોરબંદર નજીક 500 કરોડ રૂપિયાના ડ્રગ્સ ભરેલી બોટની જળ સમાધિ બાદ રાજ્યના સાગરકાંઠે ડ્રગ્સની હેર-ફેર ફરી ચર્ચામાં છે ત્યારે પાકિસ્તાનથી કચ્છ બોર્ડરે મોટાપાયે ડ્રગ્સ સપ્લાય થતુ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બોટ દ્વારા કચ્છમાં ડ્રગ્સ મોકલી આ ડ્રગ્સ દિલ્હી મોકલાતું હતું. દિલ્હીથી ડ્રગ્સની સપ્લાઈ ફલાઈટ દ્વારા સાઉદી અરબ થઈ રહી છે. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ગુજરાત એટીએસ દ્વારા થયો છે. ગુજરાત એટીએસે દિલ્હીમાં ત્રાટકી 24 કરોડ રૂપિયાનું મેથામ્ફેટાપાઈન નામનું ડ્રગ્સ ઝડપી પાડી મોહમદ કુન્ની નામના અફઘાની શખ્સની ધરપકડ કરી છે.
ગુજરાત એટીએસની ટીમે દિલ્હીમાંથી રૂ.24 કરોડની કિંમતનું મેથામ્ફેટામાઈન (આઈસ) નો જથ્થો કબજે કર્યો છે. જ્યારે બીજો જથ્થો ફલાઈટમાં સાઉદી અરેબિયા મોકલી આપ્યો હતો. 500 કરોડના હેરોઈન કેસમાં પકડાયેલા બે આરોપીઓના ખુલાસામાં આઈસ પકડાયું હતું. કચ્છ દરિયાકાંઠેથી ડ્રગ્સની સપ્લાય કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થતા ચકચાર મચી જવા પામી છે.
હેરોઈનના કેસમાં મોહમ્મદ કુન્ની (ઉં,47) રહે કાસરગોડ, કેરલા અને નિયામતખાન અહેમદઝઈ રહે, અફઘાનિસ્તાનની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા હતા.અહેમદઝાઈએ કબૂલ્યું કે, હાજીનાદરના કહેવાથી કુન્નીને 10 કિલો રૂ.48 કરોડનું મેથામ્ફેટામાઈન (આઈસ) આપ્યું હતું. પાંચ કિલો આઈસ કુન્નીએ દિલ્હી ખાતેના રહેણાંક પર હોવાનું અને બાકીના પાંચ કિલો જથ્થો ફલાઈટમાં સાઉદી અરેબીયા મોકલ્યો હતો. એટીએસને ખાસ બનાવટની સૂટકેસ મળી જેમાં આઈસનો જથ્થો ફલાઈટમાં સાઉદી અરેબિયા જતો હતો. મેથામ્ફેટામાઈનમાંથી તૈયાર થતું આઈસ એકદમ શુધ્ધ અને શકિતશાળી સ્વરૂપનું ડ્રગ્સ હોવાની વિગત એટીએસને મળી છે.