વિધાનસભા પેટાચૂંટણીમાં પાંચ વીવીપેટ સ્લીપની થશે ગણનાApril 16, 2019

રાજકોટ તા,16
રાષ્ટ્રીય સ્તરે વીવીપેટના મતો વધુ પ્રમાણમાં ગણવા થઈ રહેલા વિપક્ષી દબાણના પગલે દેશની સાથે ગુજરાતમાં પણ તમામ લોકસભા વિસ્તારમાં આવતી પ્રત્યેક વિધાનસભા બેઠકમાં એકને બદલે હવે પાંચ વીવીપેટ મશીનોના વોટની વીવીપેટ સ્લિપની ફરજિયાત ગણતરી કરવાનું જાહેર થયું છે. કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાત એકમના મુખ્ય ચૂંટણી અધિકારી ડો.એસ મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ રાજ્યની તમામ લોકસભા વિસ્તારમાં આવતી પ્રત્યેક વિધાનસભા બેઠકમાં રેન્ડમલી પસંદ કરેલા પાંચ વીવીપેટ મશીનોની સ્લિપની ફરજિયાત ગણતરી કરવામાં આવશે. એ જ રીતે ગુજરાતમાં જે ચાર વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં પણ મત વિભાગ દીઠ રેન્ડમલી પસંદ કરેલા પાંચ વીવીપેટ મશીનોની સ્લિપની પણ ફરજિયાત ગણતરી કરવામાં આવશે.
ચૂંટણી પંચે જણાવ્યું કે, છેલ્લા રાઉન્ડની ગણતરી પૂરી થયા બાદ જે કિસ્સામાં ક્ધટ્રોલ યુનિટમાં ટેક્નિકલ ક્ષતિને લીધે રિઝલ્ટ ડિસ્પ્લે ન થતું હોય તેવા ક્ધટ્રોલ યુનિટ સાથે ઉપયોગ કરવામાં આવેલ વીવીપેટ સ્લિપની પણ ગણતરી કરવામાં આવશે. એ પછી કોઈ ઉમેદવારની વીવીપેટ સ્લિપની ગણતરી કરવાની માગણી કરવામાં આવે તો સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા આ અંગે નિર્ણય કરીને જરૂર લાગશે તો વીવીપેટ સ્લિપની ગણતરી કરવામાં આવશે. આ બંને કામગીરી પૂરી થયા બાદ વિધાનસભા મત વિભાગ, સેગ્મેન્ટ દીઠ પાંચ વીવીપેટ મશીનોની સ્લિપની ગણતરી કરવામાં આવશે. ચૂંટણી પંચે કહ્યું કે, પાંચ વિધાનસભા મત વિભાગ, સેગમેન્ટની પસંદગી માટે ઉમેદવારો અથવા તો તેમના એજન્ટની હાજરીમાં વિધાનસભા મતવિભાગના જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં ડ્રો કરવામાં આવશે.