ટેલીફોન રોમિયોની પજવણીથી ત્યક્તાનો આપઘાતApril 16, 2019

રાજકોટના મોટામવા ગામની ઘટના, અજાણ્યા મનોવિકૃત શખ્સે જીંદગી છીનવી રાજકોટ તા,16
શહેરના મોટા મૌવામાં રહેતી સોની ત્યક્તાએ ફોનમાં અજાણ્યા શખ્સ દ્વારા થતી પજવણીથી કંટાળીને 9માં માળેથી પોતાના ફ્લેટની ગેલેરીમાંથી પડતું મૂકી આપઘાત કરી લેતા સોની પરિવારમાં શોક વ્યાપી ગયો છે અજાણ્યો શખ્સ કોણ તે જાણવા તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે તપાસ વેગવંતી કરી છે.
શહેરના મોટા મૌવા વિસ્તારમાં આવેલ સેલેનિયમ સ્કવેર નામના એપાર્ટમેન્ટમાં 9માં માળે રહેતા નિકીતાબેન અનિલભાઈ લોઢિયા નામની 25 વર્ષીય સોની યુવતીએ પોતાના ફ્લેટની જ ગેલેરીમાંથી પડતું મૂકી જિંદગીનો અંત આણી લીધો હતો આપઘાતની ઘટના અંગે કંટ્રોલમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ચૌહાણ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે તેણીના પિતા અનિલભાઈ સોનીકામમાં પ્રાઇવેટ નોકરી કરે છે નિકિતાના લગ્ન થઇ ગયા હતા પરંતુ બે મહિનામાં જ મનમેળ નહિ થતા તેણીએ એકાદ વર્ષ પહેલા છુટ્ટાછેડા લઇ લીધા હતા અને ત્યારથી પિતાના ઘરે જ રહેતી હતી તેણીને કોઈ વ્યક્તિના ફોન આવતા હતા અને ફોનમાં થતી વાતચીતથી પોતે ચિંતાતુર રહેતી હતી અને તેનાથી જ કંટાળીને આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે પરંતુ તે ફોન કરનાર વ્યક્તિ કોણ તે જાણવા પોલીસે યુવતીના કોલ ડિટેઇલ ઉપર તપાસ કેન્દ્રિત કરી છે આપઘાત કરી લેનાર નિકિતા બે બહેનોમાં મોટી હતી તેની નાની બહેન મામાના ઘરે રહીને અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે પિતાના ઘરે આવ્યા બાદ પોતે પણ પ્રાઇવેટ નોકરી કરી પિતાને મદદરૂપ થતી હતી યુવતીના મોતથી પિતા સહિતના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે.