ખેડૂતનો દીકરો છું : પાણીદાર-પૈસાદાર પણ છું: રમેશભાઇ ધડુક : કોંગ્રેસની બોલતી બંધApril 16, 2019

ગોંડલ તા.16
ખેડૂતનો દીકરો છું. પાણીદાર અને પૈસાદાર પણ છું. વિરોધીઓ કહે છે કે હું પૈસાદાર છું પાણીદાર નથી પણ હું રમેશ ધડુક પાણીદાર છું અને પૈસાદાર પણ છું. કોઇપણ પ્રસંગ હોય દાન આપવામાં પાછીપાની કરી નથી અને કરીશ પણ નહીં તેવું પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુકે પોરબંદરના મતદારોને વચન આપ્યું હતું.
પોરબંદર લોકસભા બેઠકની ચૂંટણીમાં એક સંનિષ્ઠ અને દાનવીરની છાપ ધરાવતા ગોંડલ પટેલ સમાજના આગેવાન રમેશભાઇ ધડુકને ભાજપે જ્યારથી ટીકીટ આપી અને ઉમેદવાર પસંદ કર્યા ત્યારથી જ કોંગ્રેસની નિંદર હરામ થઇ ગઇ છે.
કોંગ્રેસ સામે છાતીએ લડવાને બદલે પીઠ પાછળ ઘા કરીને સાચા-ખોટા આક્ષેપો કરી રહી છે. રમેશભાઇ ધડુકે પોરબંદરની પ્રજાને વચન આપતા કહ્યું કે ખેડૂતનો દીકરો છું. ખેડૂતોની પીડા અને સમસ્યાની મને પુરેપુરી ખબર છે. પોરબંદરના મતદારોનો કયારેય દ્રોહ કરીશ નહીં. ગમે તેવું કામ પડે મારા દરવાજા કાયમ માટે પોરબંદરની પ્રજા સહિત આમ સામાન્ય પ્રજાજનો માટે ખુલ્લા જ છે. હારજીત બહુ ગૌણ વસ્તુ છે પરંતુ માનવતાને સામે રાખીને ચાલનારો માણસ છું તેવું રમેશભાઇ ધડુકે પાણીદાર વાત કરતા ઉમેર્યું હતું.
પોરબંદર લોકસભા બેઠકની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ધોરાજી, ઉપલેટા, પોરબંદર, કુતિયાણા, રાણાવાવ પંથકમાં વીજળીક વેગે પ્રવાસ કરી ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુકે મતદારોની સમસ્યા શું છે તે ઉંડાણથી જાણી છે. ખેડૂતોની પાયાની માંગણી પર અભ્યાસ કરીને શું ખેડૂતોને જોઇએ છે તે વાત સમજી છે. રમેશભાઇ ધડુક ખેડૂતનો દીકરો છે એટલે ખેડૂતની સમસ્યા અને મુશ્કેલી શું છે તે ઉંડાણથી જાણે છે. પોરબંદરના તમામ મતદારો માટે જાત ઘસી નાખવાની તૈયારી રાખીને રમેશભાઇ ધડુકે ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. ગામેગામથી યુવાનો, વડીલો, વયસકો અને આમ પ્રજાજનોના આશીર્વાદ મળી રહ્યા છે. પોરબંદરના પ્રાણપ્રશ્ર્નો ઉપરાંત ધોરાજી, ગોંડલ, જેતપુર વિસ્તારમાં તેમના પ્રવાસમાં તેમની સાથે સતત ભાજપના ધારાસભ્યો, જુદા-જુદા શહેરના પ્રમુખો, આગેવાનો હોદ્દેદારો અને ભાજપની વિવિધ પાંખના કાર્યકરો અને હોદ્દેદારો તેમના લોકસંપર્કમાં સતત સાથે રહે છે. ગામેગામથી રમેશભાઇ ધડુકને મળતા પ્રચંડ જનસમર્થનથી કોંગ્રેસની છાવણીમાં સોંપો પડી ગયો છે.
લોકસભા ચૂંટણીમાં રમેશભાઇ ધડુકની ભાજપે પસંદગી કરી ત્યારથી જ કોંગ્રેસના સમર્થકો અને ઉમેદવારો આડો અવળો પ્રચાર કરે છે. વિરોધીઓ કહે છે કે રમેશભાઇ પાણીદાર છે. પૈસાદાર નથી પણ રમેશભાઇના સેવાના કાર્યો અને દાનવીરની છાપ જે છે તે આમ સામાન્ય પ્રજાજન પણ જાણે છે.
છેલ્લા ઘણા વર્ષોથી ગોંડલ સહિતના આજુબાજુના વિસ્તારોમાં નવરાત્રીમાં બાળાઓને લ્હાણી વિતરણ, ગરીબ પરિવારોને રાશન કીટનું વિતરણ, અત્યંત ગરીબ અને લગ્નના ખર્ચમાં પહોંચી ન શકતા સામાન્ય પરિવારજનોની દીકરીઓના કરીયાવર પણ રમેશભાઇ ધડુકે નાત-જાતના ભેદભાવ વગર માત્ર માનવતા રાખીને કર્યા છે. ગોંડલ સહિતના મોટાભાગના વિસ્તારોમાં રમેશભાઇ ધડુકની છાપ એક ઉત્તમ દાનવીર અને ભામાશાની ઉપસી છે. વિરોધીઓને રમેશભાઇની આ સેવાકીય પ્રવૃતિ આંખમાં કણાની માફક ખુચી રહી છે. જેના કારણે આડાઅવળા અપ્રચાર કરે છે. ચૂંટણી લડવી અલગ વસ્તુ છે અને આક્ષેપો કરવા અલગ વસ્તુ છે તેવું રમેશભાઇ ધડુક સ્પષ્ટ માને છે.
દરમ્યાન પોરબંદર લોકસભા બેઠકની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબુત કરવા ભાજપે રમેશભાઇ ધડુકને મેદાનમાં ઉતાર્યા છે. પટેલ સમાજમાં દાનવીર અને ભામાશાની છાપ ધરાવે છે. રમેશભાઇ. પરંતુ આ સમયમાં જેની સૌથી વધારે જરૂરીયાત છે તેવું ગણતર તેમનામાં વધારે છે. આમ પોરબંદરની સાણી અને સમજુ પ્રજા કયારેય કોઇના અપ્રચારમાં આવશે નહીં અને સમજી વિચારીને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખી ભાજપને જ મત આપશે. રમેશભાઇ ધડુકને મત એટલે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમને મત મળશે તેવું સ્પષ્ટપણે પોરબંદરના મતદારો માની રહ્યા છે. આમ પોરબંદરમાં ભાજપના ઝંઝાવતી પ્રચાર અને લોકસંપર્કથી કોંગ્રેસની છાવણીમાં ધરતીકંપ આવી ગયા હોવાનું ચિત્ર
ઉપસી રહ્યું છે.