વિભાપર ગામે ભાજપના પૂનમબેન માડમની જંગી જાહેરસભા મળીApril 16, 2019

કુમકુમ તિલક દ્વારા પૂનમબેનનું ભવ્ય સ્વાગત
ફલ્લા તા.16
વિભાપર મુકામે 12 જામનગર લોકસભાનાં ભાજપના ઉમેદવાર શ્રીમતિ પૂનમબેન માડમનાં ચૂંટણી પ્રચારાર્થે જંગી જાહેર સભા યોજાઇ હતી. લોકલાડીલા કર્મષ્ઠ ઉમેદવાર પૂનમબેન માડમને ઢોલ વગડાવી, બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા. ગામના સરપંચ ગીતાબેન ચોવટીયાએ ફુલહાર કરીને બહેનનું સ્વાગત કર્યુ હતું. ઉપસ્થિત સૌ ગ્રામજનોએ પણ ફરી પાંચ વર્ષ માટે બહેનને જંગી બહુમતીથી ચૂંટી કાઢવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે જીલ્લા ભાજપની ટીમ તથા સ્થાનીક આગેવાનોએ પણ પૂનમબેને સાંસદ તરીકે કરેલી કામગીરીને બીરદાવી હતી. આવા કર્મનિષ્ઠ સાંસદને ફરી પાંચ વર્ષ માટે જંગી બહુમતીની ચૂંટી કાઢવાની અપીલ ઉપસ્થિત જનમેદનીને કરી હતી.
જામનગરનાં પ્રથમ મહિલા સાંસદ અને લોકસભાનાં ઉમેદવાર શ્રીમતિ પૂનમબેન માડમે ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આપ સૌના સાથ સહકારથી જ હું આપની વાત દિલ્હી સુધી પહોંચાડી શકી છું. મારા સંસદીય મત વિસ્તારમાં આ ગામ એ.પી. સેન્ટર છે. હું આ ગામની ઋણી છું. મારા કાર્યકરોએ ખુબ જ મહેનત કરીને ઘર-ઘર સુધી ઉમેદવારની વાત પહોંચાડી છે. મારી આ મજબુત કડી હોય તો તમો મારા આ મતદારો છો. મેં મારા સંસદસભ્ય તરીકેનાં કાલ દરમિયાન જામનગરનાં બ્રાશ ઉદ્યોગ, ફેકટરી એસોસીએશનની રજુઆતો વગેરેની કેન્દ્રમાં રજૂઆત કરીને પ્રશ્ર્નોનો ઉકેલ લાવ્યા છીએ. આ જીલ્લાની હવે કેન્દ્રમાં પણ નોંધ લેવાય છે.
નાના-મોટા વેપાર, લઘુ ઉદ્યોગ, કૃષિ ક્ષેત્રની રજૂઆતો કરીને તેનો ઉકેલ લાવ્યા છીએ. જામનગર સંસદીય મત વિસ્તારને દેશનાં મુખ્ય માર્ગો સુધી જોડાય તેવા ત્રણ રાષ્ટ્રીય કક્ષાનાં ધોરીમાર્ગો મંજુર કરાવ્યા છે. આ ઉપરાંત ટ્રેનનાં સ્ટોપ, લાંબા અંતરની નવી ટ્રેનો, આરોગ્ય વગેરેને લગતી પ્રજાલક્ષી કામગીરી કરી છે. કેન્દ્રમાં કામ કરનારા સાંસદ તરીકેની છાપ ઉભી કરી છે. અંતે તેમણે જણાવ્યું હતું કે, હું એ ભાગ્યશાળી દિકરી છું કે જેને ચાર-ચાર પેઢીનાં વડીલોનાં સારી સુવાસનાં સંબંધોનો અમુલ્ય વારસો મળ્યો છે.
આ પ્રસંગે જીલ્લા ભાજપનાં હોદ્દેદારો ચંદ્રેશભાઇ પટેલ, દિલીપસિંહ ચુડાસમા, ડો.વિનુભાઇ ભંડેરી, કુમારપાલસિંહ રાણા, મુકુંદભાઇ સભાયા સાથોસાથ 77 જામનગર ગ્રામ્યનાં ઉમેદવાર રાઘવજી પટેલનાં ભાઇ હેમરાજભાઇ મુંગરા, રચનાબેન નંદાણીયા, ગોકળભાઇ પરસાણા, કેશુભાઇ માડમ, સુધાબેન વીરડીયા, ગામનાં સરપંચ ગીતાબેન ચોવટીયા, મુરજીભાઇ પરસાણા, ગંગદાસભાઇ પટેલ, રામજીભાઇ પટેલ, કુરજીભાઇ પરસાણા જેવા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.