કોંગ્રેસનું માનસિક બેલેન્સ ખસી ગયું છે: અમિત શાહApril 15, 2019

કોડીનાર તા,15
જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રચાર કરવા કોડીનાર આવી પહોંચ્યા છે. અંબુજા રોડ પર તેનું સ્વાગત કરાયા બાદ બાઇક રેલી સાથે રોડ શો કરવામાં આવ્યો હતો. બાદમાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીના કાર્યાલયને ખુલ્લું મુક્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. રોડ શો બાદ સભા યોજાઇ હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, સરદાર પટેલ ન હોત તો સોમનાથ ભારતનો હિસ્સો જ ન હોત.
અમિત શાહે જણાવ્યું હતું કે, ગીરનું ક્ષેત્ર એટલે સાવજ પણ મળે અને સાવજ જેવા જણ પણ મળે. સોમનાથ મંદિર પર ધ્વજા ફડફડતી દેખાય એટલે સરદાર યાદ આવે તે ન હોત તો સોમનાથ પાકિસ્તાનમાં હોત. હૈદરાબાદ અને જૂનાગઢ સરદારે સંભાળ્યા હતા, કાશ્મિર જવાહરલાલે સંભાળ્યું હતું આજે ચિત્ર સામે છે. હું ઘણું ફર્યો એક જ વાત સાંભળવા મળે છે મોદ મોદી...ચૂંટણીનું પરિણામ નિશ્ચિત છે. ગુજરાતીઓ મોદીને વડાપ્રધાન બનાવવામાં પાછળ નહીં રહે. શરૂઆત જૂનાગઢથી કરવાની. જૂનાગઢની સીટ ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠાની સીટ છે. મોદીએ સૌરાષ્ટ્રને એઇમ્સની ભેટ આપી તે મોટો વિકાસ કહેવાય.આઝમ ખાને દેશની મહિલાઓની માફી માગવી જોઇએ. કોંગ્રેસ પક્ષનું માનસિક બેલેન્સ ખસી ગયું છે.
રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા: ભાષણમાં પુલવામાના આતંકી હુમલો અને શહીદોનો ઉલ્લેખ કર્યો. મોદીએ શહીદોના 13માના દિવસે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાન રોતું હતું. રાહુલબાબાને હસવું પણ આવતું નહોતું. પાકિસ્તાન જેવો માહોલ કોંગ્રેસ ઓફિસમાં હતો. રાહુલબાબા તમારે આતંકવાદીઓ સાથે ઇલુ ઇલુ કરવું હોય તો કરો પાકિસ્તાનથી જવાબ આવશે તો અહીંથી જવાબ તોપથી જ આપીશું.
મોદીના હાથમાં દેશ સુરક્ષિત છે. ભાજપના એક એક કાર્યકરમાં જીવ છે ત્યાં સુધી કાશ્મિરને ભારતથી કોઇ અલગ નહીં કરી શકે.