શ્રીપાલ-મયણા શ્રી સિદ્ધચક્રજીના પ્રતાપે અનેક જાતનાં સુખો ભોગવવા લાગ્યાંApril 15, 2019

પછી શ્રીપાળને કોઢિયાઓની સોબતથી ઉંબર જાતિનો કોઢ રોગ થયો. હું શ્રીપાળને કોઢિયાઓને સોંપી વૈદ્યને અને ઔષધને જોવા પરદેશમાં ગઇ. એવામાં જ્ઞાની ભગવંતના વચનોથી મારી સર્વ ઈચ્છાઓ પૂર્ણ થઇ છે અને અહીં આવેલી આ તમારી પાસે બેઠી છું. આ પ્રમાણે જમાઈના ઉત્તમ કૂળને સાંભળી રૂપસુંદરીના હૃદયમાં હર્ષ ઊભરાઈ આવ્યો.
પોતાના પિયર જઇ પોતાના ભાઈ પુણ્યપાળે તે વાત કહી સંભળાવી, ત્યારે તે સાંભળી તે પણ હર્ષિત થયો. પછી સર્વ સામગ્રી તૈયાર કરી શ્રીપાળે પોતાને મહેલ લઇ જવા માટે જલદી આવ્યા અને સહુને મહેલે લઇ ગયાં.
હવે એક દિવસ મયણાસુંદરી અને શ્રીપાળકુંવર હવેલીના ઝરૂખે બેઠાં હતાં ત્યાં રયવાડીએ ગયેલો પ્રજાપાળ રાજા પોતાના મહેલ તરફ પાછો વળતો હતો. ત્યારે ત્યાં રસ્તામાં ગીતનો સુંદર અવાજ સાંભળવા માટે તે સ્થાને સવારી સહિત ઉભો રહ્યો. તુરત જ તેણે મયણાસુંદરીને ઓળખી લીધી. રાજાને જયારે પુણ્યપાળે જોયો. ત્યારે અવસર જોઇ રાજાના ચરણોમાં પ્રણામ કર્યા અને વિનંતી કરી કે-હે રાજન્! મારા મહેલે પધારો, અને જમાઈનું રૂપ તો જુઓ, પ્રગટ પ્રભાવી શ્રી સિદ્ધચક્રજીની સેવા ફલીભૂત થઇ છે, એમ કહી ટૂંકમાં સઘળી હકીકત રાજાને પુણ્યપાલે કહી સંભળાવી. તે વખતે પ્રજાપાળ રાજાએ મુખના ચહેરા અને ઈંગિત આકારથી પોતાના જમાઈને ઓળખ્યા, અને જૈનધર્મનો અચિંત્ય પ્રભાવ જોઇ મનમાં ચિંતવવા લાગ્યો કે- જૈનધર્મ મહિમાવંત અને જગતમાં સારરૂપ છે. જો કે મેં તો મયણાને દુ:ખ આપવા માટે આ સર્વ ઉપાયો કર્યા હતા, એટલે કે કોઢિયા જોડે પરણાવી હતી, છતાં પણ એણીનું દુ:ખ ટળ્યું અને સુખ પ્રાપ્ત થયું તે સઘળો મયણાના પુણ્યનો જ પ્રતાપ છે. રાજા વિચાર્યા પ્રમાણે કહેવા લાગ્યો.
તે વખતે પિતાનાં વચન સાંભળી મયણાસુંદરી કહેવા લાગી કે-હે પિતાજી! તમારો વાંક નથી પરંતુ સર્વ જીવો કર્મને વશ છે. ખરેખર! રાજા અને રંક બધાય પોતાના કર્મને અનુસરીને સુખ દુ:ખ ભોગવે છે.
મહાન ઉત્સવપૂર્વક રાજા જમાઈ શ્રીપાળકુંવરને પોતાના મહેલે તેડી ગયો. ત્યાં તે શ્રીપાલ-મયણા શ્રી સિદ્ધચક્રજીના પ્રતાપે અનેક જાતનાં સંપૂર્ણ સુખો ભોગવવા લાગ્યાં. તે વખતે સારાયે શહેરમાં માણસોના મુખથી એક જ વાત પ્રગટ થઇ. ‘જૈન શાસનની ઉન્નતિ થઇ અને મયણાસુંદરીએ કર્મવાદની પ્રસિદ્ધિ કરી.’
એકવાર રૂપથી મનોહર એવા શ્રીપાળકુંવર મોટા સૈન્ય સાથે નીકળ્યો. તે સમયે એક ભોળી એવી બાલિકા પોતાના માતાને પૂછવા લાગી કે-હે મા! આ મનોહર પુરૂષ કોણ છે?
ત્યારે માતા ઊંચા અવાજે કહેવા લાગી કે હે પુત્રી! એ તો રાજાનો જમાઈ શ્રીપાળ કુંવર ક્રીડા કરવા જાય છે. વૃધ્ધાના આ વચન સાભળી શ્રીપાળકુંવરને મનમાં ચોંટ લાગી, એ વિચારવા લાગ્યો, ધિક્કાર છે કે મને લોકો સસરાના નામે ઓળખાવે છે. પછી શ્રીપાળકુંવર મહેલમાં આવ્યા. તેનું મન ઉત્સાહ વિનાનું જોઇ પ્રજાપાળ રાજા તેમને કહેવા લાગ્યો.
હે રાજકુંવર! આજે તમને કોણે રીસવ્યા છે? અથવા તમારી આજ્ઞા કોણે માની નથી? તે કહો! જો તમારા મનમા તમારા પિતાનું રાજય લેવાની ચાહના હોય તો મોટું સૈન્ય લઇ યુધ્ધ કરવા જઇએ. ત્યારે કુંવર કહેવા લાગ્યો કે-સસરાના બળથી રાજય લેવું તે યોગ્ય નથી. કારણ કે જયાં પોતાનું પરાક્રમ ન હોય ત્યાં પારકું શું કામ આવે? તેથી હવે હું અહીંથી જઇશ અને દેશ પરદેશમાં ફરીને ભુજાના બળે લક્ષ્મી મેળવી ધારેલા કાર્યો કરીશ.
તે વાત જયારે માતાએ સાંભળી, ત્યારે માતા આશીર્વાદ આપતાં કહેવા લાગી કે-હે વત્સ! તમે પરદેશમા કુશલ રહેજો, અને ઉત્તમ કાર્યો કરજો. વિદેશમાં સકંટ અને દુ:ખ આવી પડે ત્યારે પ્રગટ પ્રભાવી શ્રી નવપદજીનું ધ્યાન કરજો. એવામા મયણાસુંદરી આવીને પતિને વિનંતી કવા લાગી કે, હે પ્રાણનાથ! તમારી સાથે મારે અચલ સ્નેહ છે. તેથી હું તમારાથી એક ક્ષણવાર પણ જુદી રહીશ નહીં, ત્યારે કુંવરે કહ્યું કે-હે સુંદરી! તું સાંભળ, તું તારી સાસુ એટલે મારી માતાના ચરણોની સેવા કર, મારું કાર્ય કરીને હું જલદી પાછો આવું છું.
ત્યારે મયણાસુંદરી મન ન હોવા છતાં પણ કહેવા લાગી કે હે સ્વામી! આપનું વચન પ્રમાણ છે, પરતુ આ મારું શરીરરૂપી પાંજરૂં જીવરૂપી પક્ષી વિના ખાલી છે. કારણ કે મારો જીવ આપની સાથે જ છે એમ માનજો. હે પ્રાણનાથ! આજથી તમે અહીં નહી આવો ત્યાં સુધી હું હંમેશા એકાસણું કરીશ, સચિત્ત દ્રવ્યનો ત્યાગ કરીશ, જમીન ઉપર જ શયન કરીશ, અને સ્નાન શૃંગારનો ત્યાગ કરીશ.
પછી શ્રીપાળકુંવર માર્ગમાં જતાં જતાં વચમાં નવા નવા દેશ, નવાં નવાં ગામ અને નવાં નવાં કૌતુકના રગને જોતા સિંહની જેમ એકલો નીડરપણે મોજથી ચાલતો ચાલતો એક પર્વતના શિખર ઉપર ચડ્યો. ત્યાં એક સ્થાને સુંદર શીતળ અને ગહન વનની ઘટામાં એક ચંપક વૃક્ષના છાંયડે પોતાના હાથ ઉંચા કરી જાપ કરતા એક માણસને જોયો. ત્યારે યોગી કહેવા લાગ્યો કે-હે સજજન પુરૂષ! ગુરુએ મારા ઉપર ઘણો જ ઉપકાર કરી મને એક વિદ્યા આપી છે. તેને સિદ્ધ કરવા મેં ઘણા પ્રયત્ન કર્યા પણ કાર્ય સિદ્ધ થતું નથી.
ત્યારે કુંવર કહેવા લાગ્યો કે હે યોગી! તમે મારું મન સ્થિર કરીને સુખપૂર્વક વિદ્યાની સાધના કરો. કારણ કે હું ઉત્તરસાધક બનતાં તમને કોઇ ક્ષોભ પમાડશે નહીં. હવે તેજ ક્ષણે કુંવરની મદદથી તે યોગીની વિદ્યા સિદ્ધ થઇ. કારણ કે ઉત્તમ પુરુષો જે કાર્ય શરૂ કરે ત્યાં નવ નિધિ પ્રગટે છે. પછી તે યોગીએ કુવરને બે ઔષધીઓ આપી. એક પાણીમાં તરવાની જલતરણી અને બીજી કોઇપણ શસ્ત્ર લાગે નહીં તેવી શસ્ત્રહરણી હવે કુંવર અને વિદ્યાધર યોગી બંને જણા તે પર્વત ઉપર આગળ ચાલવા લાગ્યા. ત્યાં તેઓએ એક વૃક્ષની છાયામાં સુવર્ણરસની સિદ્ધિ કરતા ધાતુવાદી પુરુષોને જોયા. તે ધાતુવાદી પુરુષો વિદ્યાધર યોગીને કહેવા લાગ્યા કે હે યોગીરાજ! તમે અમને જે વિધિ કહ્યો - હતો તે વિધિ પ્રમાણે અમે સુવર્ણસિદ્ધિ માટે બહુ પ્રયત્ન કર્યો, પણ હજૂ કાર્ય સિદ્ધિ થયું નથી. તે સમયે કુંવરે કહ્યું- મારા દેખતાં ફરી વિધિ કરો. તે વખતે કુંવરની દ્રષ્ટિના પ્રભાવથી કાર્યની સિદ્ધિ થઇ. ત્યારે તે ધાતુવાદી કહેવા લાગ્યો કે-હે કુંવર! તમારા પ્રભાવથી આ સુવર્ણ સિદ્ધ થયું છે. માટે હે સ્વામી! આપને મનમા જેટલુ રૂચે તેટલું આમાંથી સોનુ ગ્રહણ કરો. ત્યારે કુંવરે કહ્યું કે- મારે આની જરૂર નથી. ફોગટ આ ભાર કોણ ઉપાડે?
તો પણ તેઓએ ઘણી આજીજી કરી, અને કુંવરના વસ્ત્રના છેડે થોડું સોનું બાંધી આપ્યું. પછી ત્યાંથી ચાલતો ચાલતો તે શ્રીપાળકુંવર ભરૂચનગરને વિશે આવ્યો. ત્યાં સોનું વેચી મોંઘા વસ્ત્રો અને હથિયાર વગેરે લીધા. વળી તે બંને ઔષધિઓને સોનાના માદળિયાને વિષે મઢાવી તેને પોતાના હાથે બાંધી લીધી. પછી અનેક પ્રકારના કૌતુકને જોતા તે ભરૂચનગરમાં ફરવા લાગ્યો.
તે કૌશાંબી નામની નગરીમાં ધવળ નામનો શ્રીમંત શેઠ રહેતો હતો. તે વેપાર રવા ભરૂચ આવ્યો. ત્યાંથી મુસાફરી કરવા માટે વહાણ વગેરે ભરવા માટે મોટી તૈયારી કરી.
તેણે વિશેષ પ્રકારની વસ્તુઓની પાંચસો વહાણ ભર્યા. તે વહાણોમાં લડવાની શક્તિવાળા દસ હજાર લડવૈયાઓ હતા. હવે જયારે વહાણોને ચલાવવા માટે લંગર ખેંચનારા માણસો સર્વ વહાણોના લંગર ઉપાડવા અત્યંત બળ કરે છે, પણ લંગર હાલતાં નથી. તેથી મોટો શોર બકોર થયો. તે સાભળી ધવળશેઠ ઝાંખો થઇ ગયો, તેના મનમાં ચિંતા સમાતી નથી, તેથી તે શીકોતર દેવીને પૂછવા માટે ગયો. ત્યારે શીકોતર દેવીએ કહ્યું કે-હે શેઠ! સાંભળો, આ વહાણો દેવીએ થંભાવ્યા છે. તે દેવી જયારે બત્રીસ લક્ષણવાળા પુરૂષનું બદલીદાન લેશે ત્યારે વહાણોને છોડશે. પછી શેઠના નોકરો ચારે દિશામાં બત્રીશ લક્ષણા પુરૂષની તપાસ કરતા નગરમાં ફરે છે. તેવામાં ત્યાં બત્રીશ લક્ષણા પરદેશી શ્રીપાળકુવરને દેખી હર્ષ પામતા થકા આવીને શેઠને વાત કરે છે. ત્યારે ધવળશેઠ કહેવા લાગ્યા કે- તે પુરૂષને અહીં પકડીને લાવો, એક ઘડીનો પણ વિલંબ ન કરો. દેવીને બલિદાન આપીને આપણે ચાલતા થઇએ. આ પ્રમાણે શેઠના હુકમથી એકી સાથે દસ હજાર સુભટો કુંવરની પાસે આવ્યા અને શ્રીપાળને પકડવા લાગ્યા. ત્યારે અતુલ પરાક્રમવાળા એવો શ્રીપાળ એકલો સૈન્યની સાથે યુદ્ધ કરવા લાગ્યો. તે વખતે સૈનિકો ભાલાં તીર અને તલવારના જે જે ઘા કુંવરને મારે છે, તે ઘા ઔષધીના પ્રભાવથી કુંવરના શરીરને વિશે લાગતા નથી. તેમજ શ્રીપાળકુંવર તાકીને જેને જેને લાકડી અને લોઢાથી મારે છે, તે બિચારા લથડિયાં ખાતા લાંબા થઇને ભૂમિ ઉપર સૂઈ જાય છે. ત્યારે ધવળશેઠ ત્યાં આવી તે બધું જોઇ કુંવરને પગે લાગવા માંડ્યો, અને કહેવા લાગ્યો કે- હે કુંવર! તમે દેવની જેવા સ્વરૂપવાળા દેખાઓ છો, તો અમારા ઉપર મહેરબાની કરો, અમારાં વહાણો થંભ્યાં છે તેને ચલાવો, અને દુ:ખમાથી અમને પાર ઉતારો. તે વખતે કુંવરે કહ્યું કે-શેઠ! આ કામ કરવાનું અમને તમે શું મહેનતાણું આપશો? ત્યારે ધવળશેઠે કહ્યું કે એક લાખ સોનામહોર આપીશ.
(જિનઆજ્ઞા વિરુધ્ધ કાંઇપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ )
(ક્રમશ:)