યોગી અને માયાવતી પર 72 કલાકનો ‘પંચ’નો પ્રતિબંધApril 15, 2019

 ચૂંટણી પ્રચાર દરમિયાન સાંપ્રદાયિક નિવેદનો થકી આચારસંહિતાના ભંગ બદલ ધડારૂપ સજા
રાજકોટ તા.15
એક અત્યંત ધડારૂપ પગલાંમાં ચૂંટણીપંચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બસપાના સુપ્રીમો માયાવતી પર જાહેરમાં ચૂંટણી પ્રચાર સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા 72 કલાક સુધીનો પ્રતિબંધ લાદી દીધો છે. વર્તમાન ચૂંટણીમાં આચારસંહિતાના ભંગ બદલ પંચ દ્વારા થયેલી આ સૌથી મોટી કાર્યવાહી હોય રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમ્યાન યોગી આદિત્યનાથ અને માયાવતીએ અલી અને બજરંગબલીને સાંકળી સાંપ્રદાયિક એવા તોફાની નિવેદનો કર્યા હતા. એક જાહેરસભામાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કોંગ્રેસ અને સપા-બસપાને અલી(ગૈર હિંદુ) પર ભરોસો હોય તો અમને બજરંગ બલી પર ભરોસો છે. સામા પક્ષે સમાજવાદી પક્ષના બહુ બોલકા નેતા આઝમખાને અલી અને બજરંગ બલી
બંનેને સાંકળીને બજરંગ અલી એવું વિશેષણ વાપર્યુ હતું. જ્યારે કે માયાવતીએ એમ કહ્યું હતું કે બસપાને અલી અને બલી બંનેનો સપોર્ટ મળશે.
નોંધપાત્ર છે કે ચૂંટણી દરમ્યાન કોઇપણ ધર્મ, સંપ્રદાય, વર્ગ, કોમ કે જાતિના નામે મત માગી શકાતા નથી. એટલું જ નહીં એ પૈકી કોઇની લાગણી દુભાય તેવું વકતવ્ય પણ આપી શકાતું નથી પરંતુ આ કેસમાં યોગી આદિત્યનાથ, આઝમ ખાન અને માયાવતીએ મર્યાદાની તમામ સીમા વટાવી દીધી હતી. આ બાબતે ભારે હોબાળો થયા બાદ ચૂંટણી પંચ હરકતમાં આવ્યું હતું અને યોગી આદિત્યનાથ તેમજ માયાવતીના જાહેર કાર્યક્રમો પર 72 કલાકનો પ્રતિબંધ લાદી દેતા ખળભળાટ મચી ગયો હતો.