જૂનાગઢમાં દેણું વધી જતાં મિત્રએ મિત્રના ઘરમાં કર્યો રૂા.3.50 લાખનો હાથફેરોApril 15, 2019

જુનાગઢ, તા.15
જૂનાગઢમાં દેણું વધી જતા મિત્રના ઘરમાં હાથફેરો કરનાર યુવકને પોલીસે ગણતરીની કલાકોમાં જ લીંબડી ખાતેથી દબોચી લઇ ચોરીની તમામ રકમ જપ્ત કરી હતી, તથા આ ચોરીમાં એક સગીરની પણ સંડોવણી ખુલવા પામી છે.
જુનાગઢમાં શનિવારે રાયજીબાગના મોનાર્ક-2 માં રહેતા જુનાગઢના લોહાણા વેપારી વિપુલ ચંદ્રકાંતભાઈ ધરણીધરના ઘરમાંથી રૂપિયા 3.50 લાખની ચોરી થવા પામી હતી, જે અંગે લોહાણા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને તેના પુત્રના મિત્ર વિનાયક વિજયભાઈ ઓઝાનું શાકદાર તરીકે નામ આપવામાં આવ્યુ હતું.
આ બનાવ અંગે જૂનાગઢ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ત્વરિત તપાસ હાથ ધરી શકદાર યુવાન વિનાયકને જબ્બે કરવા તજવીજ હાથ ધરી હતી, ત્યારે આ શખ્સ જુનાગઢથી અમદાવાદ જઇ રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે લીમડી નજીકથી વિનાયક ઓઝા તથા તેની સાળી અને સાઢુભાઈને બસમાંથી ઝડપી લીધા હતા.
બાદમાં આરોપી વિનાયકને જુનાગઢ લાવ્યા બાદ તેમની પૂછપરછ આદરતા આરોપી વિનાયકે કબૂલાત આપી હતી કે, એના ઉપર દેણું વધી જતા તેના મિત્ર અંકિતના ઘરમાં ચોરી કરવાનું વિચાર્યું હતું અને તેના ઘરની ચાવી મેળવી, એક સગીરને સાથે રાખી આ ચોરીને અંજામ આપ્યો હતો, બાદમાં ચોરીની રકમમાંથી રૂ 1.35 લાખ સગીરને આપ્યા હતા જ્યારે મેરામણ રબારી નામના શખ્સને રૂપિયા 60 હજાર આપ્યા હતા.
વિનાયકની આ કબૂલાત બાદ આ ગુનાની તપાસ કરતા પીએસઆઇ
આર એમ ચૌહાણે ચોરીને તમામ રકમ જપ્ત કરી હતી અને આ કામમાં મદદગારી કરનાર અન્ય શખ્સો અંગેની પૂછપરછ અને ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી.