સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે વાવાઝોડાનો ખતરો: કચ્છમાં માવઠુંApril 15, 2019

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે વાતાવરણમાં જબરૂ પરિવર્તન: ધૂળની ડમરી ઉડાડતા વંટોળ ફૂંકાયા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રનાં
અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની વકી: વાદળછાયા વાતાવરણથી
તડકો ગાયબ, બફારો વધ્યો   રાજકોટ તા.15
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે સૌરાષ્ટ્ર્ર-કચ્છનાં વાતાવરણમાં જોરદાર પરિવર્તન આવ્યું છે. તોબા પોકારાવતી ગરમી બાદ અચાનક જ કચ્છમાં માવઠા શરૂ થયા છે. સાથે જ આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રની સાગરકાંઠે વાવાઝોડું ફુંકાવાની શકયતાએ તંત્ર સાબદુ થઇ ગયું છે. માછીમારોને દરીયો નહીં ખેડવા ચેતવવામાં આવ્યા છે. આગામી બે દિવસ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વરસાદ થવાની વકી છે. રાજસ્થાન પર સર્જાયેલા એર પ્રેશરનાં કારણે સૌરાષ્ટ્રમાં પવન ફુંકાવા લાગતા ધુળની ડમરીઓ ઉડવી શરૂ થઇ હતી.
હવામાન વિભાગનાં સુત્રોએ આપેલી વિગતો પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છનાં હવામાનમાં ગઇકાલ બપોરથી પલ્ટો આવ્યો હતો. આવું થવાનું કારણે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સનાં કારણે હવાની દિશામાં થયેલા પરીવર્તન હોવાનું હવામાન વિભાગે દર્શાવ્યું છે. જેના કારણે દરીયામાં મોટા મોજાઓ ઉછળવાનું શરૂ થયું છે અને આગામી 24 કલાક દરમિયાન ગુજરાતનાં કાંઠાળ વિસ્તારો પર મીની વાવાઝોડુ ત્રાટકવાનો ખતરો ઝળુંબી રહ્યો છે. હવામાન વિભાગનાં સૂત્રોએ કહ્યું કે દરીયો તોફાની થવાનાં કારણે કાંઠાળ વિસ્તારમાં 40 થી 80 કીમીની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે.
દરમિયાન ગઇકાલથી પલટાયેલા વાતાવરણ વચ્ચે આજે સવારથી જ કચ્છનાં કેટલાય ભાગો છાંટા-છુંટી શરૂ થઇ છે. સવારે કંડલા આસપાસનાં વિસ્તારોમાં માવઠા થયા હતા તો ભુજ-ગાંધીધામ આજુબાજુનાં વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબકયો હોવાનાં વાવડ છે.
રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર સહિતનાં વિસ્તારોમાં આજે સવારથી જ આકાશમાં વાદળો છવાતા તડકો ગાયબ થઇ જતાં કાળઝાળ ગરમીમાં શેકાતા લોકોને રાહત મળી હતી પરંતુ બફારો વધ્યો હતો.
આગામી બે દિવસ સુધી આ સ્થિતિ રહેવાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં અનકે સ્થળે માવઠા થવાની સંભાવના હવામાને વ્યક્ત કરી છે.
જૂનાગઢ
જુનાગઢમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાન નો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ ગઈ કાલે એકાએક ગરમીનો પારો નીચે આવતા અને ભેજનું પ્રમાણ વધતા લોકોએ રાહત અનુભવી હતી, જોકે બપોર બાદ વાતાવરણ વાદળછાયું થઈ જતા અને હવામાન વિભાગ તરફથી થયેલી આગાહીના કારણે ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા.
જુનાગઢમાં છેલ્લા ઘણા સમયથી તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવા પામ્યો હતો જેના કારણે શહેરીજનો અકળાઇ ઉઠ્યા હતા પરંતુ ગઈકાલે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ગરમીનો પારો નીચો જતા તથા વાદળછાયુ વાતાવરણ સર્જાતા લોકોને કંઈક અંશે રાહત થવા પામી હતી, જો કે આજના હવામાન વિભાગના સવારના 8:30 વાગ્યાના નોંધાયેલા આંકડા મુજબ 29 ડિગ્રી મહત્તમ તાપમાન અને 27.3 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ છે, જ્યારે ભેજ 59 ટકા અને 5.3 કિમિ પવનની ગતિ નોંધાવા પામી છે.
ગઇકાલે પોરબંદર નજીક દરીયામાં ફીશીંગ બોટે જળમાધિ લીધા બાદ જખૌના દરીયામાં પણ એક બાર્જ ડુબી ગયું છે. દરીયામાં ઉછળતા ઉંચા મોજાના પરીણામે બાર્જ પાણીમાં ગરક થઇ ગયું હતું. કોસ્ટગાર્ડને સુચિત કરતા તાત્કાલીક રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું હતું અને બાર્જના 7 ક્રુ મેમ્બરોને બચાવી લેવામાં સફળતા મળી હતી, પણ એક ક્રુ મેમ્બર હજુ પણ લાપતા હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમીમાં શેકાતા લોકોને હવામાનમાં આંશિક ઘટાડાથી રાહત મળી છે. ખાસ તો સાગરકાંઠાના વિસ્તારોમાં પારો નીચે ઉતરીને 35-37 ડીગ્રીએ પહોંચી ગયો છે. તો રાજકોટ સહિતનાં વિસ્તારોમાં પારો 40 ડીગ્રીએ સ્થીર થયો છે. આજનાં હવામાન પર નજર કરીએ તો રાજકોટમાં 40.3, ભાવનગરમાં 39.3, પોરબંદર 37, વેરાવળમાં 33.9, દ્વારકામાં 30.8, ઓખામાં 31.8, ભુજમાં 41.1, સુરેન્દ્રનગરમાં 41.3, કંડલા 38.1, અમરેલીમાં 41.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે.