પાટીદારોને ‘નજીક’ રાખવા ભાજપે હાલ અલ્પેશ ઠાકોરથી ‘અંતર’ રાખ્યુંApril 15, 2019

 લોકસભાની ચૂંટણી પછી ઘીનાં ઠામમાં
ઘી પડી જશે!
ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગત 10મીએ રાજીનામું કોંગ્રેસને મોકલી આપ્યું હોવાનું સુત્રોનું કહેવું છે. બીજી બાજું લોકસભાની ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી અલ્પેશ ભાજપમાં જોડાશે નહીં. જેની પાછળનું ગણિત એવું છે કે,અલ્પેશ ઠાકોરને લેવામાં આવે તો પાટીદાર સમાજમાં નારાજગી ફેલાઇ શકે તેવો ડર ભાજપના નેતાઓને છે, આથી લોકસભાની ચૂંટણી પછી અલ્પેશ ઠાકોર ભાજપમાં પ્રવેશ મેળવે તેવો તખ્તો તૈયાર થયો હોવાનું સુત્રોનું કહેવું છે. અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાના નેતાઓ,કાર્યકરોનો સ્વીકાર કોંગ્રેસમાં થતો ન હોવાથી અને અપમાન થતું હોવાનો મુદ્દો છેડી કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી તમામ પદ પરથી રાજીનામું આપ્યું હતું. રવિવારે ઠાકોરે કોંગ્રેસને રાજીનામું મોકલી દીધું હોવાનું જાણવા મળ્યું હતું. કોંગ્રેસ સોમવારે
વિધાનસભાના અધ્યક્ષ સાથે આ બાબતે રજૂઆત કરશે.
કોંગ્રેસે ધારાસભ્યો ધવલસિંહ ઝાલા, ભરતસિંહ ઠાકોર સામે પણ પગલા લેવાનું નક્કી કર્યુ છે. ઠાકોરે કોંગ્રેસથી મુકત થયા પછી ભાજપમાં જોડાવવાની કોઇ જાહેરાત કરી નથી. અલ્પેશ ઠાકોરના જણાવ્યા મુજબ, હું બહારગામ હતો, હજુ આવ્યો છું, પણ મે મારા કાર્યાલયને કોંગ્રેસમાંથી રાજીનામું આપતો પત્ર મોકલવાની સુચના આપી હતી.