બુધવાર સુધીમાં રેતીની આંધી સાથે તોફાની વરસાદની આગાહીApril 15, 2019

નવીદિલ્હી : ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, 15-17 એપ્રિલે ઉત્તરપશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં રેતીની આંધી સાથે તોફાની વરસાદ વરસે તેવી સંભાવના છે. હવામાનના વિવિધ પરિબળોના સંયોગને લીધે દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં રેતીની આંધી સાથે તોફાની વરસાદ વરસવાની સંભાવના છે. ભૂમધ્ય પ્રદેશોમાંથી વાતા ઠંડા પવનોને કારણે સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર ભારતના રાજ્યોમાં મોસમનો મિજાજ બદલાઇ જવાની સંભાવના છે. શનિવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વ્યાપક વરસાદ થયો હતો અને તે મંગળવાર સુધી જારી રહે તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયના પશ્ચિમી રાજ્યો અને ઉત્તરપશ્ચિમ ભારતમાં અસર થશે.
15મી એપ્રિલથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ચંડીગઢ, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં તોફાની પવનો સાથે વરસાદ થવાની સંભાવના છે.
નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને મેઘાલય જેવા ઉત્તરપૂર્વીય ભારતના રાજ્યોમાં શનિવારે વરસાદ વરસ્યો હતો. બિહાર, કેરળ, કર્ણાટક, તેલંગણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં કલાકના 50-60 કિમી.ની ઝડપે પવનો સાથે વરસાદ થવાની આગાહી કરાઇ છે.
ભારતીય હવામાન વિભાગના વિજ્ઞાાની ચરણસિંહે જણાવ્યું હતું કે, આગામી ચાર-પાંચ દિવસ દેશના મોટાભાગના વિસ્તારોમાં તોફાની પવનો સાથે વરસાદ થવાની સંભાવના છે 16 અને 17 એપ્રિલે ઉત્તરપશ્ચિમ ભારતમાં વરસાદનું જોર વધે તેવી સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. બંગાળની ખાડી, અરબી સમુદ્રનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર
બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પરથી વાતા ભેજવાળા પવનો મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં તોફાની પવનો સાથે વરસાદ લાવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રેતીની ભારે આંધી ઊડવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દિલ્હી અને ઉત્તરપિૃમ ભારતના અન્ય વિસ્તારોમાં સોમવારે 40-50 કિમી. પ્રતિ કલાકની ઝડપે રેતીની આંધી ફૂંકાશે. મંગળવારે રેતીની આંધીની ઝડપ 60-70 કિમી પ્રતિ કલાક પર પહોંચવાની સંભાવના છે.