ધો.10ની છાત્રાનું તબડક...તબડકApril 15, 2019

થ્રિસુર : કેરળનાં થ્રિસુર શહેરની ક્રિષ્નાનાં દિલમાં ઘોડેસવારી એટલી બધી હદે વસી ગઈ છે કે તે ધોરણ 10ની પરીક્ષા આપવા માટે ઘોડા પર સવાર થઈને સ્કૂલે પહોંચી હતી. 15 વર્ષીય ક્રિષ્નાનાં ઘોડેસવારી કરતા વીડિયોએ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી છે.
ક્રિષ્ના ધોરણ 10નું છેલ્લું પેપર આપવા માટે તેના પાળતું ઘોડાને લઈને પહોંચી ગઈ હતી. સ્કૂલ પર પહોંચતા જ તેના મિત્રોએ તેની ઠેકડી ઉડાવી હતી કે ક્રિષ્ના તેની સમજણશક્તિ ખોઈ બેઠી છે, પરંતુ ક્રિષ્ના કહે છે કે મને આ બાબતમાં કઈ ખોટું નથી લાગતું. માત્ર 12 વર્ષની ઉંમરે મેં ઘોડેસવારી શરુ કરી દીધી હતી. સ્કૂલે ઘોડા પર જવું તે બાબત હવે મારા માટે સાવ સામાન્ય છે.
ક્રિષ્નાના પિતા મંદિરના પૂજારી છે, જેમણે તેને 2 ઘોડા ગિફ્ટ કર્યા હતા. બંને ઘોડા તેના પિતાએ જ્યારે તે 11 વર્ષની થઈ ત્યારે અને 10માં ધોરણમાં આવી ત્યારે ભેટ કર્યા હતા.
ક્રિષ્ના બાળપણથી જ પશુપ્રેમી છે. તેને હાથી અને ઘોડા ખૂબ જ પસંદ છે. ઘણી વખત તેના મિત્રો તેને ટોણાં માર્યા કરતા કે ઘોડેસવારી છોકરીઓ ન કરી શકે, તે તો છોકરાઓને કરવાની વસ્તુ છે. બસ આ જ વાત ક્રિષ્નાને ખટકી અને તેણે ઘોડેસવારી શીખવી તે એક ચેલેન્જ તરીકે સ્વીકારી લીધું. તે 12 વર્ષની હતી ત્યારથી તે બે એક્સપર્ટ ઘોડેસવાર પાસેથી ટ્રેનિંગ લઈ રહી છે.