સિધ્ધચક્રજીના જાપથી ત્વચા નિર્મળ અને કાંતિવાન થઇApril 13, 2019

ત્યાં પહેલા આયંબિલે જ મનને અનુકૂળ થાય તેમ રોગનું મૂળ નાશ પામ્યું. જેથી અંતરનો દાહ (અંતરની બળતરા-પીડા) સર્વ નાશ થયો અને તેથી શ્રી સિદ્ધચક્રજીનો મહિમા મનમાં રમવા લાગ્યો એટલે વારંવાર યાદ આવવા લાગ્યો.
શ્રદ્ધા સહિત પવિત્ર ભાવ વડે શ્રી સિદ્ધચક્રજીનો જાપ જપવાથી બહારની ચામડી પણ નિર્મળ થઇ. પછી દિવસે દિવસે શરીરની કાન્તિ વધવા લાગી. તેથી શરીર સુવર્ણ જેવું થયું.
વળી નવમાં આયંબિલના દિવસે શ્રી સિદ્ધચક્રજીના યંત્રના ન્હવણ જળને શરીરે લગાડવાથી શરીર સંપૂર્ણ નિરોગી થયું. સિધ્ધચક્રજીના આ પ્રભાવને જોઇને સર્વ લોકોને મનમાં અચંબો થયો.
ત્યારે લોકો કહેવા લાગ્યા કે ધન્ય છે આવા જ્ઞાની ગુરુને! અને ધન્ય છે આ ધર્મને! તે વખતે જૈનધર્મની સૌ કોઇ પ્રશંસા કરવા લાગ્યા, અને ઘણા જીવો બોધિબીજ (સમ્યક્ત્વ) પામ્યા. વળી જે સાતસો કોઢિયા હતા તે બધાના પણ રોગો સિદ્ધચક્રજી યંત્રના ન્હવણને શરીરે લગાડવાથી નાશ પામ્યા. તેથી તે સર્વે સુખી થયા, અને પોતપોતાના સ્થાનકે જતા રહ્યાં.
એક દિવસ જિનેશ્ર્વવરદેવના દર્શન-પૂજા કરીને પાછા આવતી વખતે ઉંબરરાણાએ પોતાની માતા કમળપ્રભાને જોઇ. મનમાં હર્ષ લાવીને ચરણોમાં પ્રણામ કર્યાં. તે વખતે મયણાસુંદરી પણ પગે પડી.
ત્યારે કુંવર કહેવા લાગ્યો કે-હે માતાજી! તમે સિદ્ધચક્રનો પ્રભાવ સાંભળો. આ શરીરનો સઘળો રોગ નાશ પામ્યો, તથા આ રૂપ વધ્યું અને જૈન ધર્મની પ્રાપ્તિ થઇ- આ બધોય પ્રતાપ તમારી વહુનો છે. પછી માતા પોતાના પુત્રને સર્વ હકીકત કહેવા લાગી કે તમને જોવાથી મારા સઘળાં મનોરથ સફળ થયા છે. હવે તે ત્રણે જણ સાધર્મિકના ઘેર સુખપૂર્વક રહે છે અને ધર્મધ્યાન કરે છે.
હવે એક દિવસ જિનેશ્ર્વર ભગવંતની પૂજા કરી શ્રીપાળકુંવર એક ધ્યાનથી મધુર સ્વરે ચૈત્યવંદન કરતા હતાં અને સાસુ અને વહુ બંને સાંભળતા હતા. ત્યારે મયણાસુંદરીની માતા રૂપસુંદરી પણ દૈવયોગ ભક્તિ કરવા આવી હતી. માતાએ અણસાર ઉપરથી ત્યાં ચૈત્યવંદન કરતી પોતાની પુત્રીને ઓળખી લીધી અને તેની આગળ કોઢિયાને બદલે યુવાવસ્થા અને રૂપથી સુશોભિત એવો બીજો કોઇ પુરુષ બેઠેલો જોયો.
તેથી મયણાસુંદરીની માતા વિચારવા લાગી કે-હે દૈવ! કુળનો નાશ કરનાર એવી આવી કુંવરી તેં મને કેમ આપી? કે જેણીએ કોઢિયા વરનો ત્યાગ કરીને બીજો પતિ કર્યો. આવા વિચારો કરીને અત્યંત રૂદન કરવા લાગી. ત્યારે મયણા બોલી- હે માતા, તમે હર્ષના સ્થાનમાં દુ:ખ કેમ લાવો છો? અમારા દુ:ખો અને દૌર્ભાગ્ય તો શ્રી જિનેશ્ર્વરદેવના ધર્મના પ્રતાપથી નાશ પામ્યા છે. ટૂંકમાં બધી વાતો સમજાવી. વળી આપણે જિનેશ્ર્વર ભગવાનના દેરાસરમાં નિસીહિ કહીને આવ્યા છીએ. તેથી સંસારની વાતો કરવાથી આશાતના થાય છે.
ત્યારે જિનમંદિરે દર્શન કરી પછી ચતુર એવા તે ચારે જણા ત્યાંથી સાધર્મિક બંધુના આવાસે જઇ બેઠા. પછી મયણાના મુખથી તે હકીકત વિસ્તારથી સાંભળી રૂપસુંદરી અત્યંત હર્ષિત થઇ ગઇ.
રૂપસુંદરી કહેવા લાગી-અમે પુણ્યવાન, ચિંતામણી રત્ન સરખા, સુંદર દેહની કાન્તિવાળા અને સ્નેહાળુ આ જમાઇને ભાગ્યના યોગથી પામ્યા છીએ. વળી, તેથી અમને તેમના કુળ, ઘર, વંશ વગેરે હકીકતો જાણવાની ઘણી ઉત્કંઠા છે, તે તમે પ્રેમથી કહો, જે સાંભળી અમારો આત્મા અત્યંત ઉલ્લાસ પામે.
તે વખતે કમળપ્રભા કહેવા લાગ્યા કે હે રૂપસુંદરી વેવાણ! સાંભળો. અનુપમ એવો અંગ નામનો એક દેશ છે. તે દેશમાં અત્યંત સુશોભિત ચંપા નામની નગરી છે. તેના રાજાનું સિંહરથ નામ હતું. તેની હું રાણી હતી. ઘણા સમય પછી અમને પુત્ર થયો. તે વખતે નગરના સર્વ માણસો આનંદ પામ્યા. દરેક ઘરે તોરણો બંધાયા અને ઘર તથા દુકાનને શણગારી સુશોભિત બનાવાયાં. તેમજ તે સમયે પુત્ર માટે અનેક ભેટણા-રૂમાલ, ઝભલાં, ટોપી વગેરે આવવા લાગ્યાં. પછી રાજાએ કહ્યું કે-પુણ્યાનાં યોગે મેળવેલો આ બાળક અમારા રાજયની લક્ષ્મીને પાળશે, તેથી તે વખતે સ્વજનો અને ફોઇ વગેરેએ મળીને તેનું નામ શ્રીપાળકુંવર એ પ્રમાણે નક્કી કર્યું.
જયારે આ બાળક શ્રીપાળ પાંચ વર્ષની વયવાળો થયો, ત્યારે તેમના પિતા સિંહરથ રાજા તીવ્ર શૂળરોગની વેદનાથી અકાળ મૃત્યુ પામ્યા. ત્યારે હું ખૂબ રડતી અત્યંત વિલાપ કરવા લાગી. તે વખતે મતિસાગર મંત્રી મને સમજાવવા લાગ્યો, ‘હે રાજમાતા! હવે હૃદયને મજબૂત કરી સર્વ કાર્ય સંભાળો, કેમકે તમારો કુંવર હજી નાનો છે, અને આ રીતે રડવાથી કાંઇ રાજય રહેશે નહીં.’ તે વખતે મે મંત્રીને કહ્યું કે તમે અમારા આધારરૂપ છો. માટે શ્રીપાળ કુંવરને રાજય આપીને તમે તમારો અધિકાર સફળ કરો.
પછી શ્રીપાળ કુંવરને રાજા તરીકે સ્થાપન કરી તેની આજ્ઞા સર્વ ઠેકાણે પ્રવર્તાવી અને અત્યંત બુદ્ધિના નિધાનસમાન મંત્રી રાજના સર્વ કાર્યો ચલાવવા લાગ્યો. એવા સમયે મતિથી મૂઢ બનેલો શ્રીપાળકુંવરનો પિતરાઈ કાકો અજિતસેન સર્વ પરિવારના માણસો, સામન્ત, નોકર, ચાકર, સેના વગેરેને ફોડી શ્રીપાળ કુંવરને મારવા માટે અને ચંપાનગરીનુ રાજય લેવા તૈયાર થયો.
હવે મતિસાગર મંત્રીએ તે વૈરીની વાત કોઇક રીતે ગુપ્તચરો દ્વારા જાણી લીધી. તેથી તે મારી પાસે આવીને કહેવા લાગ્યો કે, હે માતા! બાળકને લઇ મધ્યરાત્રિએ કોઇપણ સ્થાને નાસી જાઓ. બીજો કોઇ જીવવાનો ઉપાય નથી. કુંવરને જિવાડવા માટે જો આપ ભાગી જશો, તો જ તમે અને કુંવર જીવતા રહેશો અને કુંવર જો કુશળ એટલે જીવતો હશે તો ફરી પણ ભવિષ્યમાં રાજય ભોગવશો. એ પ્રમાણે મંત્રીનાં વચનો સાંભળી હું પુત્રને કેડમાં બેસાડી એકલી જંગલમાં ચાલી નીકળી.
તેવામાં ત્યાં સાતસો કોઢિયાઓની સેના સામે મળી, ત્યારે મેં સર્વ હકીકત સંભળાવી. કોઢિયાઓએ મને બેસવા માટે ખચ્ચર આપ્યું અને બાળકનું સંપૂર્ણ શરીર કપડાથી ઢાંકી દીધું. એટલામાં શત્રુના સવારો શોધતાં શોધતાં ત્યાં આવ્યાં અને કોઇ સ્ત્રી અહીં જોઇ છે? એમ વારંવાર પૂછપરછ કરવા લાગ્યા. ત્યારે કોઢિયાઓએ કહ્યું કે -અહીં કોઇ આવ્યું નથી. જો અમારા વચનનો વિશ્ર્વાસ ન હોય તો તમે જાતે અમારા ટોળામાં ફરીને જોઇ લો. પરંતુ અમારા ટોળામાં જોવા જશો તો અસાધ્ય એવો આ કોઢ રોગ તમારા શરીરે લાગશે. અમે સાંભળી તે માણસો બિચારા ભય પામતા નાસી ગયા. કારણ કે કદાચ ચેપી રોગ વળગી જાય તો?
(જિનઆજ્ઞા વિરુધ્ધ કાંઇપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ ) (ક્રમશ:)