જૂનાગઢમાં 25 વિદ્યાર્થીએ ધો.12 સાયન્સની પરીક્ષામાં ચોરી કરીApril 13, 2019

 407 સીડીની ચકાસણીમાં 45 વિદ્યાર્થીઓની શંકાસ્પદ હરકતો પકડાઇ
જૂનાગઢ તા 13
જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની જિલ્લા પરીક્ષા સમિતિ સમક્ષ જિલ્લામાં 25 વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં ચોરી અનેે ગેરરીતિ કરી હોવાનું ખુલવા પામતા જુનાગઢના શિક્ષણ જગતમાં લખલખું પસરી જવા પામ્યુ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.23 માર્ચના રોજ ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારી મકવાણાના માર્ગદર્શન હેઠળ રચાયેલી જિલ્લા પરીક્ષા સીડી નિદર્શન સમિતિના સભ્યો દ્વારા 3 કેન્દ્રની કુલ 407 સીડી તથા ડીવીડીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ અને કેશોદના મળીને કુલ પ3 કેન્દ્રમાં 23 સ્થળ ઉપર પરીક્ષા આપતા કુલ 5239 પરીક્ષાર્થીઓની ચકાસણી કરવામાં આવતા 45 પરીક્ષાર્થીઓ શંકાસ્પદ હરકતો કરતા હોવાનું ખોલવા પામ્યો હતું જેને લઇને જુનાગઢ શિક્ષણ તંત્રએ કેન્દ્ર સંચાલક તથા સુપરવાઇઝરને બોલાવી 45 છાત્રોની ઓળખ પણ કરી હતી.
આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર 45 પૈકી 42 છાત્રો પરીક્ષા દરમ્યાન કાપલીની આપ-લે, સાહિત્ય સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ તથા કાપલીમાંથી લખતા હોવાનું ખુલ્યું હતું જેથી તમામ છાત્રો સામે કાર્યવાહી કરવા
માટે શિક્ષણ બોર્ડ ગાંધીનગરને રીપોર્ટ મોકલવામાં આવ્યો છે અને ગુજરાત ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ કેસોની ચકાસણી થશે અને બાદમાં આ પ્રકરણમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ જાણવા મળેલ છે.
એક તરફ જુનાગઢ શિક્ષણનું હબ બનવા જઇ રહ્યું છે ત્યારે બીજી બાજુ જુનાગઢમાંથી શિક્ષણ જગતનું માથું નીચે નમી જાય તેવા એક પછી એક પરીક્ષાના દુષણના ઘટસ્ફોટ થઈ રહ્યા છે, ત્યારે બે રૂપિયાની લાલચે કેળવણીકાર બની બેઠેલા સંચાલકો શિક્ષણમાં રૂપિયા સિવાય કંઈ ઉકાળી ન દેતા હોવાથી વિદ્યાર્થીઓ ચોરી તરફ વળતા હોવાની આંગળી અંગુઠાછાપ જિલ્લાના અમુક સંચાલકો સામે ચીંધાય રહી છે.