‘જયહિન્દ’ના સ્થાપક પૂ.બાપુજીની પુણ્યતિથિએ અમારા પથદર્શકને ભાવભરી વંદનાApril 13, 2019

‘જયહિન્દ’ના સ્થાપક અને સંવર્ધક પૂ. બાપુજી- સ્વ. બાબુભાઈ શાહની આવતીકાલે 32મી પુણ્યતિથિએ ‘જયહિન્દ’ અને ‘ગુજરાત મિરર’ પરિવાર તેમને ભાવભરી વંદના અર્પે છે. પૂ. બાપુજી ‘બાબુભાઈ શાહ’નો 14મી એપ્રિલ 1987ના રોજ દેહવિલય થયો હતો, પરંતુ તેમના દિવ્ય આત્માએ પાથરેલો પ્રકાશ પથદર્શક બની રહેલ છે, પ્રગતિ માટે પ્રેરે છે અને ‘જયહિન્દ’ દિન-પ્રતિદિન પ્રગતિ કરી રહેલ છે.
દેશની આઝાદી અને લોકતંત્રની સ્થાપનાના આરંભના સમયે લોકોમાં વિકાસની ઝંખના જાગી હતી. તે સમયે જનતા-જનાર્દનની લોકલાગણીને વાચા આપવાના હેતુથી પૂ. બાપુજીએ અખબાર પ્રકાશનનું જટિલ કાર્ય આરંભ્યુ હતું. આ ધ્યેયને કારણે ‘જયહિન્દ’ને વાંચકોના વિરાટ સમુદાયનું સમર્થન પ્રાપ્ત થયું.
12મી માર્ચ, 1948ના રોજ મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડી કૂચની વર્ષગાંઠના પ્રસંગે રાજકોટમાંથી શરૂ થયેલ ‘જયહિન્દ’ એકધારી પ્રગતિ કરતું રહ્યું છે અને આ ગ્રુપના સાંધ્ય અખબાર ‘ગુજરાત મિરર’ના થોડાં સમય પૂર્વે થયેલા પ્રારંભને વાંચક વર્ગે સમર્થન આપેલ છે અને આ સાંધ્ય અખબાર પણ ઝડપથી ફેલાવો પામી રહ્યું છે.
પૂ. બાપુજીએ સેવાકીય દૃષ્ટિએ શરૂ કરેલ અખબાર ‘જયહિન્દ’ લોક-લાગણીને વાચા આપવા, જનતાના કલ્યાણ અને વિકાસના પ્રશ્ર્નો રજૂ કરવામાં અગ્રેસર રહ્યું છે, યોગ્ય લોક-આંદોલનને સમર્થન આપતું રહ્યું છે અને તે કારણે સત્તાકીય વર્ગ સાથે સંઘર્ષમાં પણ આવવું પડે છે. પરંતુ પૂ. બાપુજીએ આવી કોઈપણ બાબતમાં રાગદ્વેષ નહીં રાખવાનો સિધ્ધાંત અપનાવ્યો હતો. આથી તેઓ સર્વ વર્ગોમાં પ્રિય અને અજાતશત્રુ બની રહ્યા હતા.
પૂ. બાપુજીએ સ્થાપેલ પત્રકારિત્વ વિષેની આદર્શ પ્રણાલીઓને અમે અનુસરી રહ્યા છીએ અને તેનું પાલન કરીને લોકસેવા માટે પ્રતિબધ્ધ છીએ. સદાયે લોકલાગણીનો પડઘો પાડીને લોકતંત્રને મજબૂત અને અર્થપૂર્ણ કરવાના ‘જયહિન્દ’ અને ‘ગુજરાત મિરર’ના અભિગમને વાંચકોનું પ્રબળ સમર્થન મળ્યું છે. પૂ. બાપુજીએ સ્થાપેલા આદર્શોના પાલન માટેની કટિબધ્ધતા, ‘જયહિન્દ’ અને ‘ગુજરાત મિરર’ પરિવાર દોહરાવે છે અને પૂ. બાપુજીને ભાવભરી વંદના અને શ્રધ્ધાંજલિ સમર્પે છે.
- જયહિન્દ/ગુજરાત મિરર પરિવાર