ચન્દ્રાબાબુ નાયડૂ શા માટે ફેર વોટિંગ ઈચ્છે છે?April 12, 2019

લોકસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું ને એકંદરે મતદાન શાંતિપૂર્ણ રહ્યું. કાળઝાળ ગરમી હતી તેના કારણે મતદાન ઝાઝું નહીં થાય એવું મનાતું હતું પણ એકંદરે મતદાન સારું રહ્યું છે. ઘરમાંથી નીકળવાની ઈચ્છા જ ના થાય એવા માહોલમાં પણ લોકોએ મતદાન કરવામાં ઉત્સાહ બતાવ્યો છે એવું મતદાનના આંકડા પરથી લાગે જ છે. ખાસ કરીને નાનાં નાનાં રાજ્યોમાં ને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સારું મતદાન રહ્યું છે. આ પ્રદેશોમાં ક્યાંય જરાય હિંસા નથી થઈ એ પણ હરખાવા જેવી વાત તો છે જ. જમ્મુ અને કાશ્મીર જેવા કાયમી કકળાટ ને હોળી સળગતી હોય એવા રાજ્યમાં પણ સારા પ્રમાણમાં મતદાન થયું છે.
પહેલા તબક્કાના મતદાનમાં નોંધ લેવી પડે એવી હિંસાની ઘટનાઓ આંધ્ર પ્રદેશને બાદ કરતાં ક્યાંય બની નથી. આંધ્ર પ્રદેશમાં હિંસાની ઘટનાઓ ઠેર ઠેર બની છે ને વ્યાપક પ્રમાણમાં બની છે. સામસામી અથડામણોમાં બે કાર્યકરોનાં મોત પણ થયાં એ જોતાં આંધ્રની ચૂંટણીને હિંસાગ્રસ્ત ગણવી પડે પણ એ સિવાય બીજે ક્યાંય કાંકરીચાળો પણ થયો નથી. ઉત્તર પ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, છત્તીસગઢ સહિતનાં હિંસા માટે વગોવાયેલાં રાજ્યોમાં ચૂંટણી હતી છતાં કોઈ કમઠાણ થયું નથી તેથી ચૂંટણી પંચને રાહત થઈ હશે. જેની શરૂઆત સારું એનું બધું સારું એમ માનીને ચૂંટણી પંચ રાજી થાય એ રીતે મતદાન થયું છે.
પહેલા તબક્કાના મતદાન પછી રાજકારણીઓએ રાડારાડ કરી છે પણ તેમાં ઝાઝો દમ નથી. આંધ્રમાં ચંદ્રાબાબુ નાયડુએ ઈલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન્સ (ઈવીએમ) બરાબર કામ કરતાં નથી એવી રાડારાડ કરી છે તો માયાવતીએ ઉત્તર પ્રદેશમાં દલિતોને મતદાન મથકો સુધી પહોંચવા ના દેવાયાં એવો કકળાટ કર્યો છે. એ સિવાય બીજી નાની નાની ફરિયાદો આવી છે પણ આટલા મોટા પાયે મતદાન હોય ત્યારે એ નાની મોટી ઘટનાઓ તો બનવાની જ એ જોતાં આ ઘટનાઓ વિશે વસવસો કરવાનો અર્થ નથી. લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં વીસ રાજ્યોમાં ફેલાયેલી લોકસભાની 91 બેઠકો પર મતદાન થયું. પહેલા તબક્કામાં નાગપુરના નીતિન ગડકરી વર્સીસ નાના પટોળેના જંગની ને બીજા એવા મહત્ત્વના ચૂંટણી જંગની બહુ ચર્ચા થઈ છે પણ સૌથી રસપ્રદ ચૂંટણી જંગની બહુ ચર્ચા જ નથી. આ ચૂંટણી જંગ આંધ્ર પ્રદેશનો છે કેમ કે આંધ્ર પ્રદેશમાં લોકસભાની હારોહાર વિધાનસભાના સભ્યો ચૂંટવા માટે પણ મતદાન થયું. આંધ્રમાં લોકસભાની 25 બેઠકો છે ને વિધાનસભાની 175 બેઠકો છે. આ બધી બેઠકો માટે ગુરૂવારે મતદાન થયું. પહેલા તબક્કાના મતદાનમાં બીજે ક્યાંય હિંસા થઈ નથી પણ આંધ્રમાં જ હિંસા થઈ તેના પરથી જ અહીં કેવો ખરાખરીનો જંગ છે તેની ખબર પડે. આ હિંસાનું કારણ એ છે કે, આ ચૂંટણી જંગ આંધ્ર પ્રદેશના બે મોટા પ્રાદેશિક પક્ષો તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને વાયએસઆર કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ છે.
આંધ્ર પ્રદેશની સાથે સાથે તેલંગણાની પણ ચૂંટણી થયેલી ને ત્યાં ચંદ્રશેખર રાવે સપાટો બોલાવીને સત્તા કબજે કરી લીધેલી. રાવની મુખ્યમંત્રીપદની મુદત પણ અત્યારે જ પૂરી થતી હતી પણ એ હિંમતવાળો માણસ કે તેણે છ મહિના પહેલાં ચૂંટણી કરાવી. આ ચૂંટણીમાં સપાટો બોલાવીને રાવે ફરી સત્તા પણ કબજે કરી લીધી. ચંદ્રશેખ રાવ અત્યારે પાછા તેલંગણાની ગાદી પર બેઠા છે ને લોકસભાની ચૂંટણીમાં પણ એ સપાટો બોલાવી દેશે એવું બધાં માને છે. બીજી બાજુ તેમની સાથે જ ગાદી પર બેઠેલા ચંદ્રાબાબુની હાલત એકદમ પતલી છે ને તેમને ફરી ચૂંટાવાનાં ફાંફાં છે. છેલ્લાં પાંચ વર્ષમાં જગન મોહન રેડ્ડીએ જબરું કાઠું કાઢ્યું છે ને ચંદ્રાબાબુની હાલત પતલી કરી નાખી છે તેમાં આ વખતે ચંદ્રાબાબુનો પાકો વીમો જ છે.
ચંદ્રાબાબુના કમનસીબે આંધ્ર પ્રદેશમાં વાયએસ રાજશેખર રેડ્ડીનો ઉદય થયો. રેડ્ડી માથે ફાળિયું બાંધીને ને લૂંગી ઊંચી ચડાવીને આખા આંધ્ર પ્રદેશમાં ફરી વળ્યા તેમાં નાયડુની વાટ લાગી ગઈ. 2004માં નાયડુને રેડ્ડીએ એવા પછાડ્યા કે છેક દસ વર્ષે ફરી બેઠા થઈ શકેલા. રેડ્ડી કવેળાના ગુજરી ના ગયા હોત તો હજુ કદાચ રાજ કરતા હોત. રેડ્ડીની વિદાયના કારણે નાયડુને તક તો મળી પણ એ તક નાયડુ ઝડપી ના શક્યા. નાયડુએ પહેલાં ચાર વરસ લગી કાંઈ ના કર્યું ને પછી ભાજપના માથે દોષનો ટોપલો ઢોળીને ભવાડા કર્યા તેમાં તે લોકોની નજરમાંથી સાવ ઊતરી ગયા છે. નાયડુએ છેલ્લાં પાંચ વર્ષમાં પોતાના દીકરા નારા લોકેશને પોતાનો વારસ બનાવવા જે ઉધામા કર્યા છે તેના કારણે પણ આંધ્રમાં લોકો થાક્યા છે. આ બધાં કારણોસર આંધ્રમાં કશું થયું નહીં ને અત્યારે ભયંકર બેરોજગારી છે તેમાં નાયડુનું પડીકું થઈ જાય એવી શક્યતા છે.
નાયડુની સામે જગન મોહન રેડ્ડીએ ખરેખર જોરદાર મહેનત કરી છે. જગન મોહન રેડ્ડીને પતાવી દેવા પહેલાં કોંગ્રેસ ને પછી ભાજપ સરકારે બહુ ધમપછાડા કરેલા. જગન સામે ઢગલાબંધ કેસ થયા ને તેણે મહિનાઓ લગી જેલની હવા પણ ખાવી પડેલી. જો કે જગન તેના બાપ વાયએસ રાજશેખર રેડ્ડીની જેમ લોખંડી કાળજું લઈને પેદા થયેલો છે એટલે બધા સામે ઝીંક ઝીલીને ટકી ગયો છે. નવ વરસ પહેલાં કોંગ્રેસે જગનને ભાવ ના આપતાં જગને નવો તંબુ તાણેલો. અત્યારે એ હાલત છે કે જગનનો તંબુ મહેલ બની ગયો છે ને જે કોંગ્રેસે તેને લાત મારીને તગેડી મૂકેલો એ કોંગ્રેસ રસ્તા પર આવી ગઈ છે.
આંધ્રમાં અત્યારે બે પ્રાદેશિક પક્ષો વચ્ચે જંગ છે ને તેમાં જગનનું પલ્લું ભારે છે. ખરેખર શું થશે એ તો પરિણામ આવે ત્યારે જ ખબર પડે પણ એક વાત સ્પષ્ટ છે કે, આ રાજ્યમાં પણ વર્ચસ્વ તો પ્રાદેશિક પક્ષનું જ રહેશે. હજુ પાંચ વરસ પહેલાં આંધ્રમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું પણ હવે ત્યાં પણ દિવસો ફરી ગયા છે. તમિલનાડુની જેમ આંધ્રમાં પણ રાષ્ટ્રીય પક્ષો માટે જગા જ ના હોય એવી હાલત થઈ જશે.