સરકારી ફીથી વધુ ખંખેરતી સ્કૂલોને સુપ્રીમ કોર્ટની ફટકારApril 12, 2019

અમદાવાદ તા.12
અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન સ્કુલને સુપ્રીમ કોર્ટે બરાબરની લપડાક મારી છે. સરકારે નક્કી કરેલી ફીની મર્યાદા બહાર ફી વસુલવા માંગતી અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન સ્કુલ વિરુદ્ધ વાલીઓએ બળવો પોકાર્યો હતો. આ મુદ્દે સીએમને રજૂઆત કર્યા બાદ તમામ વાલીઓ ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં આજે ચૂકાદો આવતા ગ્લોબલ ઇન્ડિયન સ્કુલને ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે વાલીઓની તરફેણમાં ચુકાદો આપતા વિદ્યાર્થીઓના ભવિષ્ય અને વાલીઓનો વિજય થયો છે.
સુપ્રીમ કોર્ટે ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલને ટર્મીનેટ કરેલા વિદ્યાર્થીને પણ પાછો પ્રવેશ આપવા કડક આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે સ્કૂલ સત્તાધીશોને જણાવ્યું હતું કે, તમે વેપારી નહીં, શૈક્ષણિક સંસ્થા છો. સરકારે નક્કી કરેલા એફઆરસી ના

નિયમ શાળાએ પાળવા અનિવાર્ય છે.
બીજી બાજુ વાલીઓએ એફઆરસી ના નિયમ મુજબ ફી ભરવા માટે તૈયારી દર્શાવી હતી. પરંતુ સ્કૂલ સંચાલકો એફઆરસી ના નિયમ ઘોળીને પી જઇને નિયત કરતા વધુ ફી વસુલતા હતા, જેથી સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ રોષે ભરાઇને સુપ્રીમમાં ગયા હતા. તમને જણાવી દઇએ કે, ગ્લોબલ ઈન્ટ. સ્કૂલે 40 જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હતા.
બોકસ......
વિવાદ શું હતો.
અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલે પોતાની નક્કી કરેલી ફી ન ભરનારા 40થી વધુ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ ન આપીને તેમના એડમિશન રદ કરી દીધા હતા. આ મુદે વાલીઓએ એફઆરસીને રજૂઆત કરતા કમિટીએ શાળાને નોટિસ ફટકારી હતી. પરંતુ સ્કૂલ સત્તાધીશોએ તેમને પણ ગણકાર્યા નહોતા. ત્યારબાદ વાલીઓએ રાજ્યના સીએમ શિક્ષણ મંત્રીને જાણ કરી હતી. પરંતુ તેમને યોગ્ય ન્યાય ન મળતા તેઓ સુપ્રીમમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેની આજે સૂનાવણી થતાં ગ્લોબલ સ્કૂલને બરાબરનો ફટકો પડ્યો હતો. તમને જણાવી દઇએ કે, ગુજરાત સરકાર ખાનગી શાળાઓની ફીને અંકુશમાં રાખવા માટે વર્ષ 2017માં ફી નિર્ધારણ કાયદો પસાર કર્યો હતો. આ કાયદાની વિરુદ્ધમાં મોટાભાગની ખાનગી સ્કૂલોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને સરકાર દ્વારા નક્કી કરાયેલી ફીને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.  ટર્મિનેટ કરેલા વિદ્યાર્થીઓને ફરી પ્રવેશ આપવા આદેશ: છાત્રો-વાલીઓ તરફી ચુકાદો