સોનિયા-સ્મૃતિમાંથી કોણ કેટલું ધનવાન?April 12, 2019

નવીદિલ્હી તા,12
કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ ગઇકાલે લોકસભા ચૂંટણી માટે ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. કેન્દ્રીય મંત્રીના સોગંદનામા અનુસાર, 2013-14 કરતા 2017-18માં તેમની કુલ આવકમાં અંદાજિત 80 ટકાનો વધારો થયો. સોગંદનામામાં તેમણે 31 માર્ચ, 2018 સુધીની સંપત્તિઓની માહિતી આપી, જે જણાવે છે કે તેમની પાસે 21 લાખની જ્વેલરી, દોઢ કરોડ રૂપિયાનો ફ્લેટ છે. ત્યારે પતિ સહિત કુલ સંપત્તિ 9.37 કરોડ રૂપિયા છે.
હાલમાં તેમની પાસે કેશમાં છ લાખ 24 હજાર રૂપિયા ચે. જોકે બેંકના ખાતામાં 89 લાખ 77 હજાર 40 રૂપિયા બેલેન્સ છે. એટલું જ નહીં, બોન્ડ, પોસ્ટ ઓફિસ, ઘરેણા અને બાકીની સંપત્તિઓ ગણતા તેમની પાસે અત્યારે અંદાજિત ચાર કરોડ 71 લાખ રૂપિયાની ચલ-અચલ સંપત્તિ છે. સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનની અધ્યક્ષ સોનિયા ગાંધીનું શેરમાં મોટું રોકાણ છે.

તેમની પાસે 2.4 કરોડ રૂપિયાના શેર છે. સંપત્તિની વાત કરીએ તો, તેમની પાસે 60 લાખના ઘરેણા છે અને ઇટલીમાં 7.5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ વાત તેમના સોગંદનામાથી સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, તેમની પાસે માત્ર 60 હજાર રૂપિયા રોકડ છે, જ્યારે બેંકમાં 16.59 લાખ રૂપિયા એફડી છે. આ સિવાય 72 લાખ 25 હજાર 414 રૂપિયા પોસ્ટલ સેવિંગ્સ, વીમા પોલિસી અને નેશનલ સેવિંગ્સ સ્કીમ દ્વારા રોકાણ કર્યું છે. નવી દિલ્હીના ડેરામંડી ગામમાં સાત કરોડ 29 લાખ 61 હજાર 793 રૂપિયાની તેમની ખુદની ખેતીલાયક જમીન છે. એટલું જ નહીં, ઇટલીમાં તેમની સાત કરોડ 52 લાખ 81 હજાર 903 રૂપિયાની સંપત્તિ છે, જે તેમના ઘરવાળાઓ પાસેથી મળી હતી.