પોરબંદરમાંથી નશીલી દવાની 714 બોટલ ઝડપાઇApril 12, 2019

પોરબંદર,તા.12
પોરબંદર જીલ્લામાં યુવા પેઢીને બરબાદ કરવા માટે દારૂ સિવાય નશીલી દવાઓનું પણ ધુમ વેચાણ થઇ રહ્યું છે ત્યારે કુતિયાણા અને હનુમાનગઢ ગામે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડા પાડીને 80 હજારની 714 બોટલ દવા સાથે 4 શખ્સોને પકડી પાડયા છે.
હાલમાં લોકસભા સામાન્ય ચુંટણી-ર019ની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ છે અને ચુંટણી પ્રક્રિયા શાંતીમય રીતે પૂર્ણ થાય તે માટે જુનાગઢ રેન્જ આઇ.જી. સુભાષ ત્રીવેદી તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલ ની સુચના મુજબ જીલ્લામાં દારૂના વેચાણ અંગેની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો પર અવાર-નવાર રેઇડો કરી મોટા જથ્થાના દેશીદારૂના તથા ભારતીય બનાવટના વિદેશીદારૂના ગણનાપાત્ર કેસો શોધી કાઢી આવા ઇસમો વિરૂધ્ધ પાસા તથા હદપાર જેવા અટકાયતી પગલા લેવાની ઝુંબેશ હાથ ધરવામાં આવતા જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નિયંત્રણમાં આવેલ છે. જે તકનો લાભ ઉઠાવી કેટલાક લેભાગું તત્વોએ નશાના બંધાણીઓને અન્ય રીતે કૈફી દ્રવ્યોના રવાડે ચઢાવી નફો રળવાની પ્રવૃતિછૂપી રીતે શરૂ કરેલ હતી. એસ.ઓ.જી.ના હે.કો. કિશનભાઇ તથા પો.કો. વિજયભાઇ ને આ પ્રવૃતિ અંગે મળેલ ચોકકસ બાતમી અનુસંધાને પી.આઇ. પી.ડી. દરજીની રાહબરીમાં પોરબંદર જીલ્લા એસ.ઓ.જી. પોલીસે કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વચ્છરાજ હોટલ પર રેઇડ કરતા સ્ટોનારીસ્ટ આસવ રીષ્ઠા નામની નશીલી દવાની બોટલો-1ર0 મળી આવી હતી. તે ઉપરાંત હર્બી ફલો આસવ નામની નશીલી દવાની બોટલો-ર49 સાથે આવળા રાજ કારાવદરાને ઝડપી પાડેલ છે.
કુતિયાણા મેઇન બજારમાં અંબિકા કોલ્ડ્રીંકસ ખાતે રેઇડ કરી સ્ટોનારીસ્ટ આસવ રીષ્ઠા નામની નશીલી દવાની બોટલો 18ર જથ્થા સાથે કીશનચંદ ટેકચંદ દેસાણી અને ભરત હીરામલ જોબનપુત્રા નામના ઇસમોને ઝડપી પાડેલ છે. તેમજ રાણાવાવ વિસ્તારના હનુમાનગઢ ખાતે હોટલ રામકૃપામાં રેઇડ કરતા હર્બી ફલો આસવ નામની નશીલી દવાની બોટલો - 163 સાથે હોટલ સંચાલક ખીમા ભીમા કારાવદરાને ઝડપી પાડેલ છે. અને 80400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉપરોકત ત્રણેય જગ્યાએથી ઝડપાયેલા જથ્થા બાબતે કોઇ જરૂરી આધાર-પુરાવો નહીં રજુ કરતા તમામ ઇસમોને સી.આર.પી.સી. ક-14(1) (ડી) મુજબ અટક કરી સદર મુદ્દામાલ સી.આર.પી.સી. ક-10ર મુજબ કબ્જે કરી વધુ પરીક્ષણ માટે મોકલવામાં આવનાર છે.
આમ, પોરબંદર પોલીસને દારૂના નશાની અવેજમાં વપરાતા કેફી દ્રવ્યોના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં તેમજ નશાકીય પ્રવૃતિની રોકથામ કરવામાં સફળતા મળેલ છે.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ. પી.ડી. દરજી તથા એસ.ઓ.જી.ના સ્ટાફ હેડ કોન્સ. દિલીપભાઇ ઓડેદરા, બટુકભાઇ વિંઝુડા, કિશનભાઇ ગોરાણીયા, મહેબુબખાન બેલીમ, પો.કોન્સ. વિજયભાઇ જોશી, દેવેન્દ્રસિંહ ગોહિલ, ડ્રા. સુરેશભાઇ નકુમ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.