ભાણવડથી રાજકોટ પુત્રના ઘરે આવેલ માતાનું ટ્રક હડફેટે મોત April 26, 2019

 જસદણ દવા લેવા જતા હતા ત્યારે પીરવાડી પાસે બનેલો બનાવ : ટ્રકચાલકની શોધખોળ
રાજકોટ તા.26
રાજકોટના પીરવાડી નજીક આજે વહેલી સવારે ટ્રકચાલકે સતવારા દંપતીને ઠોકરે ચડાવતા પતિની નજર સામે જ પત્નીનું મોત થયું હતું ભાણવડથી ગઈકાલે જ રાજકોટ રહેતા પુત્રને ત્યાં આવ્યા હતા સવારે જસદણ દવા લેવા જતા હતા ત્યારે કરુણાંતિકા સર્જાઈ હતી આજી ડેમ પોલીસે ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે
મૂળ ભાણવડના વેરાડ ગામના અને ત્યાં ખેતીકામ કરતા વલ્લભભાઈ વાલજીભાઇ સોનગરા અને પત્ની મંજુરબેન સોનગરા નામનું સતવારા વૃદ્ધ દંપતી ગઈકાલે રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર સનાતન પાર્કમાં રહેતા પુત્રને ત્યાં આવ્યું હતું આજે વહેલી સવારે છ વાગ્યે તેઓ જસદણ દવા લેવા માટે જવા નીકળ્યા હતા અને ગોંડલ ચોકડીથી કોઠારીયા

ચોકડી વચ્ચે પિરવાળી નજીક રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે માતેલા સાંઢની જેમ આવેલા જી જે 12 એ યુ 5639 નંબરના ટ્રકચાલકે દંપતીને ઠોકરે ચડાવ્યું હતું અને બંને ફંગોળાઈ ગયા હતા ટ્રકચાલક અકસ્માત સર્જી નાસી જતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને દંપતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યું હતું પરંતુ અહીં મંજુબેનનું મૃત્યુ નીપજ્યું હતું જયારે પતિ વલ્લભભાઈને પગમાં ઇજા થઇ હતી સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરી હોવાનું જાણવા મળ્યું છે કોણ જાણતું હતું કે રાજકોટમાં રહેતા અને કારખાનું ધરાવતા પુત્રને ત્યાં માતાની આ અંતિમ મુલાકાત હશે બનાવ અંગે આજી ડેમ પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે