સરકાર ઘઉંની આયાત ડ્યૂટી 10% વધારશેApril 26, 2019

 સ્થાનિક ખેડૂતોના હિતમાં નિર્ણય
નવી દિલ્હી તા.26
સ્થાનિકમાં ઘઉંના નવા પાકની લણણી થઈ રહી છે અને મંડીમાં નવા ઘઉંની આવકો શરૂ થવાની સાથે સસ્તી આયાતને કારણે સ્થાનિકમાં ભાવ દબાણ હેઠળ ન આવે તે માટે સરકાર ઘઉં પરની આયાત જકાત જે હાલ 30 ટકા છે તે વધારીને 40 ટકા કરે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
આયાત જકાતમાં વધારો થતાં ફ્લોર મિલરોની ઘઉંની ખરીદી ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા તરફ વળશે. ગત સપ્તાહે સચિવોની પેનલ દ્વારા ઘઉંની આયાત જકાત વધારીને 40 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ હવે ચૂંટણી પંચ ટૂંક સમયમાં મંજૂરી આપે તેવી શક્યતા એક અખબારના અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષે 3.8 થી ચાર કરોડ ટન ઘઉંની પ્રાપ્તિ કરવાનો અંદાજ કેન્દ્ર સરકાર મૂકી રહી છે. જો, પ્રાપ્તિનો આ લક્ષ્યાંક હાંસલ થઈ જશે તો મે મહિનાના અંતે એફસીઆઈનો ઘઉંનો સ્ટોક 5.8 કરોડ ટનની સપાટીએ રહેશે. અત્રે નોંધનીય બાબત એ છે કે વર્તમાન 2018-19ના પાક વર્ષમાં 9.912 કરોડ ટન ઘઉંના પાકનો અંદાજ મૂકવામાં આવ્યો છે.