તુવેર કૌભાંડ, પુરવઠા નિગમના એમ.ડી.કેશોદ દોડયા April 26, 2019

જુનાગઢ તા. 25
જૂનાગઢ સહિત જીલ્લામાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ તાજેતરમાં બહાર આવ્યા બાદ હવે કેશોદમાં લાખો રૂપિયાની તુવેર ખરીદીમાં હલકી ગુણવત્તાનો માલ ધબેડી દઈ સરકારને લાખ રૂપિયાનો ધુંબો મારવાનું મસમોટું કારસ્તાન બહાર આવ્યા બાદ ગાંધીનગરના પુરવઠા વિભાગના અને કેશોદ ખરીદી કેન્દ્રના ઇન્ચાર્જ, એક એક ગોડાઉન મેનેજર સહિત 3 ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ગાંધીનગરના સરકારી અધિકારી, કોટ્રાક્ટર કંપનીનો ગ્રેડર, કેશોદના માણેકવાળાનો કિસાન સંઘનો પ્રમુખ સહિત કુલ 7 શખ્સો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ થવા પામી છે, તો અન્ન અને પુરવઠા મંત્રી રાદડિયાએ આ પ્રકરણમાં કોઈ પણ ચમરબંધી હોય તો તેને પણ નહીં છાડવાની સૂચના સાથે ઉચ્ચ કક્ષાના તપાસના આદેશ જારી કર્યા છે તો તાબડતોબ ગાંધીનગરથી કેશોદ પહોંચેલા ગુજરાત પુરવઠા નિગમના એમ.ડી. મનીષ ભારદ્વાજે ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ હોવાનો સ્વીકાર કરી તપાસનો ધમ ધમાટ શરૂ કરેલ છે.
કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારના ટેકાનના ભાવે રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા ખરીદી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. 12 માર્ચ થી તા. 14 એપ્રિલ દરમિયાન 50475 ગુણી (25.23 લાખ કિલો) તુવેરની ખરીદી કરાઈ હતી તેમાં ખરીદી ઇન્ચાર્જ તથા કોન્ટ્રાકટર કંપનીના ગ્રેડરની સાઠ ગાંઠથી વેપારીઓની હલકી કક્ષાની રૂ. 29,65,665ના કિંમતના 1045 કટા તુવેર આ સારી ક્વોલિટીના જથ્થામાં ધાબેડી દીધી હોવાનો હોબાળો મચતા આ સમગ્ર કૌભાંડ ખુલવા પામ્યું હતુ.
બાદમાં આ મામલે કેશોદ પોલીસમાં નાથાભાઇ મોરીએ નોંધાવેલી ફરિયાદ નોંધાવી હતી ક સરકારશ્રીના ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ હેઠળની ટેકાના ભાવે ખેડુતો પાસેથી તુવેરની ખરીદી માર્કેટીંગ યાર્ડ કેશોદ ખાતે કરવામાં આવતી હતી તેમાં જે.બી.દેસાઈ, (ખરીદી ઈન્ચાર્જ, ખરીદી કેન્દ્ર કેશોદ) ફૈજલ શબ્બીર મુગલ, (કેલેક્ષ કંપનીના ગ્રેડર) તથા ગોડાઉન પરના મજુરના મુકાદમ જયેશ લક્ષ્મણભાઈ ભારતી અને હિતેષ હરજીભાઈ મકવાણા ખેડુતોના નામે હલ્કી ગુણવતા વાળો તુવેરનો જથ્થો આપનાર ભરત પરસોતમ વઘાસીયા (રહે.દાત્રાણા તા.મેંદરડા)તેમજ કાનાભાઈ વિરડા, (કિશાન સંઘ પ્રમુખ, રહે.માણેકવાડા તા.કેશોદ) એ મળી સાતેય આરોપીઓએ ગુનાહીત કાવતરૂ રચી ખરીદી કરેલ તુવેરના 50475 કટ્ટા પૈકી 1045 કટ્ટા કિ.રૂા.2965665 નો હલ્કી ગુણવતા વાળો તુંવેરનો જથ્થો મિક્સ કરી સારા જથ્થામાં ખપાવી દઈ સરકારશ્રી સાથે ગુનાહીત વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી છે આથી કેશોદ પોલીસે નાથાભાઈ મોરીની ફરિયાદનાા આધારે 7 શખ્સો સામે છેતરપિંડી અનેેે વિશ્વાસઘાતનોં ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગઈકાલે ખરીદ કરાયેલ ખરીદીનું રજીસ્ટ પોલીસે કબજે લઈ આ પ્રકરણમાં નિવેદન નોંધવાનું શરૂ કરાયું હોવાનું કેશોદ પીઆઇ. ઝાલાએ જણાવ્યું હતું. દરમિયાન આ કથિત કૌભાંડમાં કોઈપણ ચમરબંધી હશે તેને છોડવામાં નહીં આવે અને તટસ્થ ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તેવા આદેશ આપી દેવામાં આવ્યા હોવાનું રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.
તો આ કૌભાંડને લઈને અન્ન અને પુરવઠા વિભાગના એમ.ડી. મનિષ ભારદ્વાજ તેમની ટિમ સાથે કેશોદ પહોંચ્યા હતા અને આ પ્રકરણમાં ક્યાંક ને ક્યાંક ઓછો સ્ટાફ હોવાથી ભૂલ થયાનો સ્વીકાર કર્યો હતો
જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ પણ આ પ્રકરણમાં યોગ્ય તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું છે તો જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ આ પ્રકરણમાં થયેલ પોલીસ તપાસમાં પોતાના માર્ગદર્શન સાથે તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.