રાષ્ટ્રપતિ ભવનને ‘કાગડા’થી બચાવવા બાજ-ઘુવડ તૈનાત!April 26, 2019

  • રાષ્ટ્રપતિ ભવનને ‘કાગડા’થી બચાવવા બાજ-ઘુવડ તૈનાત!

મોસ્કો તા.26
કોઈ પણ દેશમાં રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સુરક્ષા માટે ટ્રેંડ કમાન્ડોને તૈનાત કરવામાં આવે છે. ઉપરાંત કોઈ પણ પ્રકારની ચૂક ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓ મારફતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવે છે.
પરંતુ આ દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં તેના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય ટોચના અધિકારીઓની સુરક્ષા માટે કોઈ કમાન્ડો, સિક્યોરિટી ગાર્ડ અથવા ડ્રોન કેમેરા નહીં પરંતુ પક્ષીઓને તૈનાત કરવામાં આવે છે.
રશિયા ખાતે રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિન અને તેના નજીક આવેલ પ્રમુખ સરકારી બિલ્ડિંગોની સુરક્ષા આમ તો ત્યાંનું પ્રશાસન ચુસ્ત રીતે કરે છે. પરંતુ દેશના સંરક્ષણ વિભાગે આ માટે બાજ અને ઘુવડની એક ટીમ પણ બનાવેલી છે. જેને વર્ષ 1984માં બનાવામાં આવી હતી. હાલના સમયે 10થી વધુ બાજ અને ઘુવડ આ ટીમમાં સામેલ છે. આ ટીમમાં સામેલ બાજ અને ઘુવડને સુરક્ષાના ભાગરૂપે અમુક ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. જેથી તેઓ સુરક્ષામાં કોઈ ચૂક ન કરે.
રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ ભવનની કાગડાઓથી સુરક્ષા કરવા માટે આ બાજ અને ઘુવડોની તૈનાતી કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ કાગડાઓના કારણે રાષ્ટ્રપતિ ભવન અને તેના નજીકની બિલ્ડિંગ ગંદી થાય છે. જેના પછી તેમની સફાઈ અને દેખરેખ માટે વધુ મહેનત અને પૈસાનો ખર્ચ કરવો પડે છે. તેથી કાગડાઓ રાષ્ટ્રપતિ ભવનથી દૂર રહે તે માટે બાજ અને ઘુવડને ત્યાં તૈનાત કરવામાં આવે છે.