CJIની તપાસ-કાર્યવાહી બંધ બારણે થશે: સમિતિApril 25, 2019

  • CJIની તપાસ-કાર્યવાહી બંધ બારણે થશે: સમિતિ

નવી દિલ્હી તા,25
એક નવો ચીલો પાડનાર નિર્ણય અંતર્ગત જસ્ટિસ એસ એ બોબડેના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટના 3 જજની સમિતિ ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ સામે નોકરીમાંથી હાંકી કઢાયેલી જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ દ્વારા કરાયેલા યૌન ઉત્પીડનના આરોપોની તપાસ કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ તેમની સામે મુકાયેલા આરોપોને આકરા શબ્દોમાં વખોડી ચૂક્યાં છે. તેમણે શંકા વ્યક્ત કરી હતી કે, આ પ્રકારના આરોપો પાછળ મોટા માથાઓ કામ કરી રહ્યાં છે. જસ્ટિસ બોબડેએ જણાવ્યું હતું કે, ચીફ જસ્ટિસ સામેના આરોપોની તપાસ અને ચકાસણી બંધ બારણે કરાશે. તેમાં વકીલોની કોઇ જરૂર નથી કારણ કે આ વિધિવત્ ન્યાયિક પ્રક્રિયા નથી. તે ઉપરાંત તપાસ પૂરી કરવા માટે અમને કોઇ સમયમર્યાદા આપવામાં આવી નથી. તપાસમાંથી શું બહાર આવે છે તેના પર ભવિષ્યના પગલાંનો આધાર છે.
ચીફ જસ્ટિસ પર યૌન ઉત્પીડનના આરોપ મૂકનારી મહિલાને કુદરતી ન્યાય નથી મળી રહ્યો હોવાનો આરોપ રાજ્યસભા સચિવાલયના અધિકારી લક્ષ્મણસિંહ નેગીએ મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આરોપ મૂકનારી મહિલાની સામે જ તપાસનો આદેશ કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વરુદ્ધ છે. નેગીએ મહિલા વતી કેસ લડવાની પરવાનગી આપવા વિનંતી કરી હતી પરંતુ મારી અરજી નકારી કાઢવામાં આવી છે. મહિલાને પોતાની રજૂઆત કરવાની તક આપવામાં આવી રહી નથી.
સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઉત્સવ બેઇન્સે આરોપ મૂક્યો હતો કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ સામે યૌન ઉત્પીડનના ખોટા આરોપો મૂકી ફસાવી દેવાનું વ્યાપક કાવતરું ઘડવામાં આવ્યું છે. ઉત્સવ બેઇન્સે બુધવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક સીલબંધ કવરમાં સંબંધિત મટીરિયલ અને પુરાવા રજૂ કર્યાં હતાં. ઉત્સવ બેઇન્સ દ્વારા રજૂ કરાયેલા મટીરિયલની ગંભીર નોંધ લેતાં બેન્ચે જણાવ્યું હતું કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ સામે કાવતરું ઘડવામાં કોર્પોરેટ જગતના એક માંધાતા અને અન્ય ફિક્સરોની સંડોવણીના આરોપો અત્યંત ગંભીર છે અને તેની તપાસ થવી જોઇએ. સુપ્રીમ કોર્ટના 69 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચીફ જસ્ટિસ સામે મુકાયેલા યૌન ઉત્પીડનના આરોપોની સુપ્રીમના 3 જજની તપાસ સમિતિ દ્વારા ચકાસણી કરાશે. આ પહેલાં કોઇ ચીફ જસ્ટિસ સામે આ પ્રકારના યૌન ઉત્પીડનના આરોપો મુકાયાં નથી.