સુરેન્દ્રનગરના ચુડા તાલુકાનો બનાવ April 25, 2019

રાજકોટ તા. 25
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના જુની મોરવાડ ગામે રહેતાં પટેલ યુવાન બે દિવસ પહેલા પોતાના ઘરેથી ગુમ થયા બાદ ગઇ કાલે તેની લાશ ચુડા અને વસીડી વચ્ચે કેનાલમાંથી મળી આવી હતી પરિવારજનોએ હત્યાની શંકા વ્યકત કરતા પોલીસે મૃતદેહને ફોરેન્સીક પી.એમ.અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ જુની મોરવાડ ગામે રહેતા સુરેશભાઇ અંબારામભાઇ સાયોલીયા (ઉ.વ.41) નામના પટેલ યુવાન ગત તા. 22ના રાત્રે પોતાના ઘર બહાર ફળીયામાં સુતા હતા ત્યાંથી ગાયબ થઇ ગયા હતા જેથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને ચુડા પોલીસમાં ગુમ થયાની જાણ કરી હતી દરમિયાન બે દિવસ બાદ ગઇ કાલે બપોરે ચુડા અને વસીડી ગામ વચ્ચે આવેલી કેનાલના નાલામાંથી સુરેશભાઇનો મૃતદેહ મળી આવતા પોલીસ અને પરિવારજનો દોડી ગયા હતા.
મૃતક સુરેશભાઇના શરીર પર ઇજાના નિશાન હોય પરિવારજનોએ હત્યાની શંકા વ્યકત કરતા પોલીસે મોતનું સાચુ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પી.એમ.અર્થે રાજકોટ મેડીકલ કોલેજ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક સુરેશભાઇ બે ભાઇ એક બહેનમાં નાના અને ખેતીકામ કરે છે.